પૂજારાને આઉટ કરવા પૂજારીના આશીર્વાદની જરૂરઃ સચિન

Tuesday 28th January 2020 05:17 EST
 
 

અમદાવાદઃ ભારતીય ક્રિકેટચાહકોમાં ‘મિ. વોલ’ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાનો શનિવારે - ૨૫ જાન્યુઆરીએ જન્મદિવસ હતો અને આ દિવસે તેને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે જે મેસેજ મોકલ્યો હતો તેની દિવસભર ચર્ચા ચાલી હતી. ચેતેશ્વર પૂજારાની બેટિંગ એટલી મજબૂત હોય છે કે તેને આઉટ કરવો મુશ્કેલ હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જ સચિન તેંડુલકરે પૂજારાની પ્રતિષ્ઠાને અનુરૂપ મેસેજ મોકલ્યો હતો.
સચિન તેંડુલકરે ગુજરાતીમાં મોકલેલો મેસેજ પ્રસરી ગયો હતો. જેમાં તેણે લખ્યું હતું કે ‘પૂજારાને આઉટ કરવા માટે પૂજારીના આશીર્વાદની જરૂરત હોય છે, જન્મ દિવસ મુબારક.’
દિવસ દરમિયાન સચિન તેંડુલકરની આ પ્રકારનો મેસેજ મોકલવા તથા ચેતેશ્વર પૂજારાની પ્રતિષ્ઠા માટે પ્રશંસા કરતા મેસેજ ફરતા રહ્યા હતા. સાંજે ચેતેશ્વર પૂજારાએ પણ સચિન તેંડુલકરની ખ્યાતિને અનુરૂપ મેસેજનો રિપ્લાય કરતાં લખ્યું હતુંઃ જે ભગવાન (ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર)ની સાથે રમેલા હોય અને તેમના આશીર્વાદ હોય તેને વળી બીજી શું ચિંતા હોય... આપનો ખૂબ ખૂબ આભાર.
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં ચેતેશ્વર પૂજારા અત્યારે મહત્વનો ખેલાડી છે અને તેના વિના ટીમની કલ્પના કરી શકાતી નથી. ૧૯૮૮ની ૨૫મી જાન્યુઆરીએ રાજકોટમાં જન્મેલા પૂજારાએ ભારત માટે ૭૫ ટેસ્ટમાં ૫૭૪૦ રન નોંધાવ્યા છે જેમાં ૧૮ સદી અને ૨૪ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે સૌરાષ્ટ્ર માટે તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં બેવડી સદી પણ ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter