નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૃથ્વી શો ડોપિંગમાં દોષિત પુરવાર થયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ તેને ૮ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. આમ હવે ૧૫ નવેમ્બર ૨૦૧૯ સુધી સત્તાવાર ક્રિકેટથી દૂર રહેશે. ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ રમનાર ૧૯ વર્ષીય પૃથ્વી શોનું સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટૂર્નામેન્ટ દરમિયાન ડોપિંગ પરીક્ષણ કરાયું હતું. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે પૃથ્વી ‘ટરબ્લુટેલાઇન’ ડ્રગ્સના સેવન માટે દોષિત ઠર્યો છે. પૃથ્વી શો ઉપરાંત અન્ય બે ડોમેસ્ટિક ખેલાડી વિદર્ભનો અક્ષય દુલારકર અને રાજસ્થાનનો દિવ્ય ગજરાજ પણ ડોપિંગમાં દોષિત ઠરતા તેમના પર પણ પ્રતિબંધ લાગ્યો છે.
મેં ઉધરસની દવા પીધી હતીઃ પૃથ્વી
પૃથ્વીએ બોર્ડને કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું છે કે, ‘મેં અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું છે. આ દવા ઉધરસ માટે લીધી હતી.’ બોર્ડે જણાવ્યું હતું કે પૃથ્વીની સ્પષ્ટતાને સ્વીકારીને તેના પર આઠ મહિનાનો પ્રતિબંધ લગાવાયો છે કેમ કે પૃથ્વીએ નિયમનું ઉલ્લંઘન કર્યાનું સ્વીકાર્યું છે. તેણે ઉધરસ માટે કફ સીરપ પીધું હતું, જે આ પ્રતિબંધિત પદાર્થ હતો. પૃથ્વી હાલ હિપમાં ઇજાની સારવાર કરાવી રહ્યો છે. પ્રતિબંધને કારણે તે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું સીરીઝ ગુમાવશે.