પેરિસ ઓલિમ્પિકઃ સ્ટેડિયમમાં નહીં, સીન નદીમાં ઓપનિંગ સેરેમની

Wednesday 24th July 2024 06:01 EDT
 
 

પેરિસ: પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ફ્રાન્સ ત્રીજી વાર ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરી રહ્યું છે અને તેણે સમગ્ર આયોજન માટે ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા કરી કરી છે.
ઓલિમ્પિક્સના ઈતિહાસમાં પ્રથમ વખત આ વૈશ્વિક રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ, નદીમાં યોજાશે. 90 કરતાં વધુ બોટમાં બેસીને 10 હજારથી ખેલાડીઓ સમારોહમાં ભાગ લેશે. 26 જુલાઈ - શુક્રવારે પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની સીન નદીમાં યોજાશે અને રમતોના આ મહાકુંભમાં 206 દેશના રમતવીર ભાગ લઇ રહ્યા છે. 11 ઓગસ્ટ સુધી ચાલનારા આ રમતોત્સવમાં કુલ 10,500 એથ્લીટ ભાગ લેશે. 32 ગેમમાં 329 ઇવેન્ટ્સ યોજાશે. ઓપનિંગ સેરેમની દરમિયાન ખેલાડીઓની પરેડ પણ બોટ દ્વારા કરાશે.
પેરિસની વચ્ચોવચ યોજાનારા ઉદ્ઘાટન સમારંભમાં છ લાખ લોકો પહોંચે તેવી આશા છે. જેમાં બે લાખ કરતા વધારે ટિકિટોનું વેચાણ મફતમાં કરાયું છે. સત્તાવાર બ્રોડકાસ્ટર્સને આશા છે કે માત્ર ઉદ્ઘાટન સમારંભને જ સમગ્ર દુનિયામાં 150 કરોડ લોકો ટેલિવિઝન પર જોશે. 2016ના રિયો ઓલિમ્પિકમાં પ્રેક્ષકોની સંખ્યા 320 કરોડ હતી જે એક રેકોર્ડ છે.
છ કિલોમીટર લાંબી પરેડ રહેશે
વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી બોટ્સ એથ્લીટ્સને લઇને પોન્ટ ડી’ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી નીકળશે. પરેડ દરમિયાન બોટ્સ સીન નદી ઉપર આવેલા 18 બ્રિજ પાર કરશે અને પરેડનો અંત પોન્ટ ડી’લેના ખાતે થશે જે એફિલ ટાવરથી થોડાક અંતરે આવેલું છે. ઓપનિંગ સેરેમની નિહાળવા માટે નદીની બંને તરફ બેન્ચ લગાડવામાં આવી છે અને લગભગ છ લાખ રમતગમતપ્રેમી ઓપનિંગ સેરેમનીમાં હાજર રહે તેવી સંભાવના છે.
3000 કલાકારોનું પરફોર્મન્સ
ઓપનિંગ અને ક્લોઝિંગ બંને સેરેમનીમાં ઓવરઓલ 3000 કરતાં વધારે કલાકારો ભાગ લેશે. ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની બહાર અને નદી ઉપર યોજાવાની હોવાથી પરફોર્મન્સ પણ અલગ પ્રકારના રહેશે. ડાન્સ કોરિયોગ્રાફી હેડ મોડ લે પ્લેડેકે સંકેત આપી દીધો છે કે બોટ્સની પરેડમાં આવનારા તમામ બ્રિજ ઉપર વિશેષ પ્લેટફોર્મ તૈયાર કરીને વિવિધ કાર્યક્રમો રજૂ કરાશે.
ચેમ્પિયન્સ પાર્કની ક્ષમતા 13 હજાર
ઓપનિંગ સેરેમની દરમિયાન સત્તાવાર પ્રોટોકોલનું પાલન કરવા માટે કામચલાઉ સ્ટેડિયમ તૈયાર કરાયું છે. 13 હજારની ક્ષમતાવાળું આ સ્ટેડિયમ એફિલ ટાવરની નજીક છે અને તેનું નામ ચેમ્પિયન્સ પાર્ક રાખવામાં આવ્યું છે. ઓપનિંગ સેરેમનીના સમાપન બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન ગેમ્સના ઉદઘાટનની જાહેરાત કરશે.
લેઝર શો ફેન્સને મુગ્ધ કરશે
એથ્લીટ્સની પરેડ બાદ લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓલિમ્પિકના ઇતિહાસથી લઇને ફ્રાન્સની સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવશે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ સહિત વિવિધ વિષયો અંગે પણ લેઝર દ્વારા વિશ્વને જાગૃતિનો સંકેત આપવામાં આવશે. લેઝર શોના અંત ભાગમાં 2028માં યોજાનારા લોસ એન્જલસ ઓલિમ્પિકની પણ ઝલક દર્શાવાશે.
ચાર નવી રમતો સામેલ થશે
ટોક્યો ઓલિમ્પિક 2020ની તુલનામાં આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ચાર નવી રમતોને સ્થાન અપાયું છે. તેમાં બ્રેક ડાન્સ ડેબ્યુ કરશે જ્યારે સ્કેટ બોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિગ અને સર્ફિંગની રમતોને પણ પહેલીવાર સમાવાઇ છે. બીજી તરફ, વેઇટલિફિંટગમાંથી ચાર ઇવેન્ટ હટાવી દેવાઇ છે. ભારત તરફથી વેઇટલિફિંટગમાં મીરાબાઇ ચાનૂ ભાગ લેશે, જેણે ટોક્યો ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રસપ્રદ એ છે કે પેરિસમાં પહેલીવાર શુટિંગની તમામ કેટેગરીની સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ રમવા ઊતરશે.
એથ્લીટ્સ પર્પલ ટ્રેક પર દોડશે
રમતોત્સવમાં આ વખતે એથ્લીટ પરંપરાગત લાલ રંગના ટ્રેક પર નહીં, પરંતુ પર્પલ ટ્રેક પર દોડશે. પર્પલ રંગ આ ગેમ્સની ઓવરઓલ ક્લર થીમ છે. આ વલ્કેનાઈઝ્ડ રબર ટ્રેક રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરેલ ગુણવત્તાસભર કૃત્રિમ રબરથી બનેલો છે. પેરિસનાં 77,083 દર્શક ક્ષમતાવાળું સ્ટેડ ડિ’ફ્રાન્સ સ્ટેડિયમમાં આ ટ્રેક પાથરી દેવાયો છે. જૂનમાં આ ટ્રેક પર ટેસ્ટિંગ ઈવેન્ટ પણ રમાઈ હતી. આ ટ્રેક ઈટાલીની કંપની મોન્ડોએ બનાવ્યો છે. આને સૌથી ઝડપી ટ્રેક કહેવામાં આવી રહ્યો છે. આ ટ્રેક શોક એબ્ઝોર્બરનું પણ કામ કરે છે, જેથી એથ્લીટ્સને આગળ વધવામાં મદદ મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter