પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે ઈતિહાસ રચ્યોઃ 7 ગોલ્ડ - 9 સિલ્વર સહિત 29 મેડલ મેળવ્યા

Wednesday 11th September 2024 06:02 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીના શ્રેષ્ઠતમ પ્રદર્શન સાથે પેરિસ પેરાલિમ્પિક 2024નું અભિયાન સમાપ્ત કર્યું છે. ભારત માટે પેરિસ પેરાલિમ્પિક ઐતિહાસિક રહ્યું છે, જેમાં ભારતે સૌથી વધારે મેડલ મેળવ્યા છે. પેરિસમાં ભારતે કુલ 29 મેડલ મેળવ્યા છે, જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ અગાઉ ભારતે સૌથી વધારે 19 મેડલ ટોક્યો પેરાલિમ્પિકમાં મેળવ્યા હતાં. ભારતીય ખેલાડીઓએ પેરાલિમ્પિકની પાછલી બે એડિશનમાં જ કુલ 48 મેડલ હાંસલ કર્યા છે. તે પહેલાંની કુલ 11 એડિશનમાં કુલ 12 મેડલ હાંસલ થયાં હતાં.
પાછલી બે એડિશનમાં પેરા ભારતીય એથ્લીટ્સે કેવો ચમત્કાર કરી દેખાડયો છે તે આ આંકડા પરથી જ જાણી શકાય છે. વિશ્વકક્ષાએ મેડલ ટેલી પર એક નજર નાંખીએ તો આ યાદીમાં ભારત 18મા ક્રમે રહ્યું છે. ભારતે મેડલ ટેલીમાં સ્વીટઝરલેન્ડ, સાઉથ કોરિયા, બેલ્જિયમ અને આર્જેન્ટિના જેવા દેશોને પાછળ રાખી દીધા છે.
ભારતીય મિશનમાં 84 એથ્લીટ્સ
પેરિસ પહેલાં ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ 54 ભારતીય એથ્લીટ્સે ભાગ લીધો હતો જે તે સમયનું સૌથી મોટું દળ હતું. જોકે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય મિશન વધારે મોટું થયું હતું. પેરિસમાં ભારતના કુલ 84 પેરા ભારતીય એથ્લીટ્સે ભાગ લીધો હતો અને ઈતિહાસ રચતાં એક એડિશનમાં સૌથી વધારે મેડલ હાંસલ કરવાનો રેકોર્ડ પણ સ્થાપિત કરી દીધો હતો.
કઇ રીતે આ શક્ય બન્યું?
ભારતે છઠ્ઠી સપ્ટેમ્બરે પેરિસ પેરાલિમ્પિકમાં પોતાનો 27મો મેડલ જીત્યો. પેરાલિમ્પિકમાં ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. દેશના બધા જ ખેલપ્રેમીઓ માટે આ ઉજવણીનો સમય છે. જોકે, કેટલાક લોકો આ સફળતાથી આશ્ચર્ય પામી ગયા છે. કારણ કે પેરાલિમ્પિકનાં લગભગ બે અઠવાડિયા પહેલાં થયેલા ઓલિમ્પિક રમતોત્સવની કહાણી અલગ હતી. ભારતે ઓલિમ્પિક માટે 110 ખેલાડીઓના જૂથને મોકલ્યું હતું. જોકે, ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ એમ કુલ છ પદકો જ જીત્યા અને છ વખત ખેલાડીઓ ચોથા સ્થાન પર રહ્યા.
પેરાલિમ્પિકમાં ભારતે 84 ખેલાડીઓના જૂથને મોકલ્યું અને આ ખેલાડીઓ ઓલિમ્પિક કરતાં ચાર ગણાથી વધારે પદકો જીતી ચૂક્યા છે. ભારત એકલો આવો દેશ નથી. ગ્રેટ બ્રિટન, યૂક્રેન અને નાઇજીરિયા જેવા દેશોની ટીમોની પણ આ જ કહાણી છે.
આ કારણે આશ્ચર્ય થાય છે કે કેટલાક દેશો ઓલિમ્પિકની તુલનામાં પેરાલિમ્પિકમાં સારું પ્રદર્શન કેવી રીતે કર્યું. જોકે, આ બંને ટુર્નામેન્ટમાં સફળતાની તુલના કરવી હકીકતમાં યોગ્ય નથી. કારણ કે બંનેમાં સ્પર્ધાનું સ્તર અલગ છે. આ ઉપરાંત અલગ-અલગ શારીરિક અને માનસિક ક્ષમતા ધરાવતા ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લે છે. એક કહેવત છે કે ઓલિમ્પિકમાં ખેલાડીઓની શારીરિક સીમાનું પરિક્ષણ થાય છે અથવા તો માનવ શરીર શું કરવા માટે સક્ષમ છે તેની પરીક્ષા થાય છે. બીજી તરફ પેરાલિમ્પિક દૃઢ નિશ્ચય, ધીરજ અને પૂર્વાગ્રહો પર વિજયની પરીક્ષા છે.
સરકારના અભિગમમાં બદલાવ
ચીન અને બ્રાઝીલની જેમ જ ભારતની વસ્તી પણ ઘણી વધારે છે. આનો અર્થ છે કે પેરાએથ્લિટ્સની સંખ્યા પણ વધારે છે. જોકે, વધારે સંખ્યાને સારા પ્રદર્શન સાથે હંમેશા જોડી શકાય નહીં. સમાજમાં વિકલાંગતાને કેવી રીતે જોવામાં આવે છે તે પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલાક દેશોમાં વિકલાંગતાને કલંક અથવા દયાની ભાવના સાથે જોવામાં આવે છે. આ દેશ વિકલાંગ ખેલાડીઓને એથ્લિટ ગણતા નથી. એક સમયે ભારત પણ આવો અભિગમ ધરાવતું હતું, પરંતુ છેલ્લા થોડાક વર્ષોમાં વિકલાંગતા અને પેરા-સ્પોર્ટ્સ પ્રત્યેના ભારતના બદલાવમાં ઉલ્લેખનીય પરિવર્તન આવ્યું છે તેવું કહી શકાય. પેરાલિમ્પિકનાં પરિણામો પણ આ પરિવર્તન દર્શાવે છે એવો નિષ્કર્ષ કાઢી શકાય. છેલ્લા બે દાયકાઓમાં પેરા-સ્પોર્ટ્સ વિશે જાગૃતિ વધી છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ખેલાડીઓને મળતું ભંડોળ પણ વધ્યું છે. વર્ષ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેઇમ્સનું આયોજન કર્યું હતું ત્યારથી ખેલ મંત્રાલયે પેરા-એથ્લિટોને મળતી પુરસ્કારની રાશિમાં વધારો કર્યો હતો અને તેને બીજી રમતોના સ્તર પર લાવી દીધી.
જુસ્સો-ઉત્સાહ અને દબાણનો અભાવ
ભારતમાં જેમ-જેમ જાગૃતિ વધી તેમ પેરા-સ્પોર્ટ્સ સાથે વધારે લોકો જોડાઈ રહ્યા છે. વ્હીલચેર ક્રિકેટર રાહુલ રામુગાળે જણાવે છે કે ખેલાડીઓની ભૂમિકા પણ અહીં મહત્ત્વપૂર્ણ છે. ‘વિકલાંગ વ્યક્તિઓ બહાર નીકળીને દેખાડવા માંગે છે કે તેઓ પણ આમ કરી શકે છે. તેઓ પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવાં માટે ઉત્સાહીત છે.
તેમને જો મોકો મળશે તો લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી બધી જ વસ્તુઓ કરવા માટે તૈયાર છે. વિકલાંગ ખેલાડીઓ ત્યાં જ અટકી જતા નથી. કેટલાક પેરા-એથ્લિટ બીજા ખેલાડીઓને તાલીમ આપે છે અને મદદ પણ કરે છે.’ રાહુલ પણ તે પૈકીના એક છે. રાહુલ અને તેમના મિત્રો પણ દેશમાં વ્હીલચેર ક્રિકેટને દેશમાં પ્રોત્સાહન આપે છે.
વળી, ઓલિમ્પિકની તુલનામાં પેરાલિમ્પિકની લોકપ્રિયતા ઓછી છે અને પેરા-એથ્લિટ હંમેશા ચર્ચામાં રહેતા નથી. આનો અર્થ એ છે કે તેમની પાસેથી આશા ઓછી છે અને તેમના પર દબાણ પણ ઓછું છે. જોકે, પેરા-એથ્લિટ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અને કંઇક મેળવવાની ઇચ્છા માટે અથાગ મહેનત કરે છે જે તેમની યાત્રાને મેડલના પોડિયમ સુધી લઈ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter