પેરિસમાં મનુ ભાકરે ઇતિહાસ રચ્યો...

Tuesday 30th July 2024 07:49 EDT
 
 

પેરિસઃ મનુ ભાકર તથા સરબજોતે શૂટિંગ ઇવેન્ટમાં મિક્સ્ડ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિક ઇવેન્ટ દરમિયાન બે મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
મનુ ભાકર સાથે અંબાલાના ધીન ગામના સરબજોતસિંહે મંગળવારે દસ મિટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી આ મેચમાં ભારતીય ખેલાડીઓની આ જોડીએ સાઉથ કોરિયાની ટીમને માત આપી હતી. આ પૂર્વે રવિવારે ઓલિમ્પિક પદક જીતીને મનુ ભાકર શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.
ભારતનાં પહેલવાન સુશીલકુમાર તથા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બે-બે ઓલિમ્પિક મેડલ જીત્યાં છે, પરંતુ તેમણે બે અલગ-અલગ ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન આ સિદ્ધિઓ મેળવી છે. સુશીલકુમારે 2008 ઓલિમ્પિક દરમિયાન કાંસ્ય તથા વર્ષ 2012નાં લંડન ઓલિમ્પિક દરમિયાન રજતપદક જીત્યાં હતાં. જ્યારે પીવી સિદ્ધુએ વર્ષ 2016ના રિયો ઓલિમ્પિક સમયે રજત તથા વર્ષ 2020માં ટોકિયો ઓલિમ્પિક સમયે કાંસ્યપદક જીત્યાં હતાં.
ગીતાના કર્મના સિદ્ધાંતને નજરમાં રાખ્યો
ભારતના ઓલિમ્પિકના ઈતિહાસની સૌપ્રથમ મેડલ વિજેતા શૂટર મનુએ ભગવદ્ ગીતાના કર્મના સિદ્ધાંતને અનુસરીને પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતી લીધો હતો. ધીરજ અને એકાગ્રતા સાથે નિશાન સાધતાં મનુએ પેરિસ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ કહ્યું કે, મેં ઘણી બધી વખત ભગવદ્ ગીતા વાંચી છે અને મેં બસ એ જ કરવાનો પ્રયાસ કર્યો કે જે મારે કરવાનું હતુ. બાકીનું બધું મે ભગવાન પર છોડી દીધું. આપણે ભાગ્યની સાથે લડાઈ કરી ન શકીએ. કે પરિણામને બદલી ન શકીએ.
મનુના કમબેકની પ્રેરણાદાયી કહાણી
પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરનું દમદાર પ્રદર્શન એ નિષ્ફળતા બાદ જોરદાર કમબેકની કહાણી પણ છે. વર્ષ 2021માં જાપાનમાં ઓલિમ્પિક રમતોત્સવ ઉજવાયો હતો, જે ટોકિયો 2020 તરીકે ઓળખાય છે. એ સમયે મનુ 19 વર્ષની હતી. તેની ઉપર દેશને ભારે આશાઓ હતી, પરંતુ મનુના ઇરાદા ડગી ગયા હતા અને તે પદક માટેની સ્પર્ધામાં સામેલ થઈ શકી નહોતી. આ તેના માટે ખૂબ જ આંચકાજનક હતું. હારની નિરાશાની વચ્ચે તે આશા ગુમાવવા લાગી હતી અને તેનું મન શૂટિંગની રમતમાંથી ઉઠવા લાગ્યું હતું. બોક્સિંગ, એથ્લેટિક્સ, સ્કેટિંગ, જુડો તથા કરાટે જેવી રમતોને અજમાવ્યા બાદ તેણે 14 વર્ષની ઉંમરે શૂટિંગ સ્વીકાર્યું હતું. વર્ષ 2016માં મનુ ભાકરે શૂટિંગમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું હતું. એ પછી તેના પિતા રામકિશન ભાકરે મરીન એન્જિનિયરની નોકરી છોડી દીધી અને દીકરીનાં સપનાં પૂર્ણ કરવા માટે દિવસરાત એક કરી નાંખ્યા. 

પાંચ વર્ષમાં મનુને અનેક સફળતાઓ મળી. વર્ષ 2017માં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં તેમણે વિશ્વમાં પ્રથમ ક્રમે રહેલાં હીના સિદ્ધુને હરાવી હતી. વર્ષ 2018માં વૂમન્સ વર્લ્ડ કપમાં મનુએ 10 મીટર એર પિસ્ટલમાં એક જ દિવસમાં બે ગોલ્ડમેડલ જીત્યાં હતાં. આ માટે તેણે બે વખતનાં વર્લ્ડ એમ્પિયન મેક્સિકોની નિશાનચી અલજાંદ્રા જવાલાને હરાવ્યાં હતાં.
વર્ષ 2019માં તેણે ઓલિમ્પિક 2020 માટેનું સ્થાન મેળવી લીધું હતું, જેના કારણે તેમનાંમાં થોડો એટિટ્યૂટડ પણ આવી ગયો હતો. જોકે, નિશાનબાજીની દુનિયામાં તેમનો સિતારો ચમકી રહ્યો હતો.
ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ભારતીય રમતો ઉપર નજર રાખનારા દરેક રસિકની નજર મનુ ભાકરના પર્ફોર્મન્સ ઉપર હતી, પરંતુ એક ઇવેન્ટ દરમિયાન તેમની પિસ્ટલ બગડી ગઈ હતી, એ પછી તેમનું ઓલિમ્પિક અભિયાન પાટા ઉપરથી ઉતરી ગયું હતું અને બાકીની કસર એટિટ્યૂડે પૂરી કરી હતી.
આશાઓના અશ્વ ઉપર સવાર મનુ ભાકર પોતાની નિષ્ફળતાને પચાવી ન શકી અને અસફળતાનો દોષ તેમના તત્કાલીન કોચ જશપાલ રાણાને દીધો. પૂર્વ કોચ રાણાએ મનુના નિવેદનને ‘અપરિપક્વ’ ગણાવ્યું, એ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા.
એ પછી રમત પ્રત્યે મનુ ભાકરનું મન ઉતરી રહ્યું હતું. અનેક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ શૂટિંગ છોડીને ભણતર માટે વિદેશ જવાનું વિચારવા લાગ્યાં હતાં. જોકે, પેરિસ ઓલિમ્પિક જેમ-જેમ નજીક આવી રહ્યો હતો, તેમ-તેમ તેઓ પોતાને એક તક આપવા વિશે પણ વિચારી રહ્યા હતા.
ટર્નિંગ પોઇન્ટઃ જસપાલ રાણાને કર્યો કોલ
મનુ ભાકર ઉપર કવિયત્રી અને માનવાધિકાર કાર્યકર્તા માયા એંજેલોની કવિતા 'સ્ટિલ આઈ રાઇઝ' તથા ગીતાના 'કર્મનો સિદ્ધાંત' શૂટિંગની દુનિયામાં પરત ફરવા માટે તેમનાંમાં આશાનો સંચાર કરી રહ્યાં હતાં. આ બધાની વચ્ચે એક દિવસ મનુ ભાકરે એવું કર્યું, જેની તેમની આસપાસના લોકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પેરિસ ઓલિમ્પિકના લગભગ એક વર્ષ અગાઉ મનુ રાણાએ પૂર્વ કોચ જસપાલ રાણાને ફોન કર્યો અને મદદ માગી, જસપાલ પણ પૂર્વ શાગિર્દને ના ન કહી શક્યાં. નજીકનાં લોકોએ મનુને સલાહ આપી હતી કે તેઓ જસપાલ રાણાને કોલ ન કરે, પરંતુ મનુએ એક વર્ષમાં ચાર કોચ બદલ્યા હતા અને તેને અહેસાસ થઈ ગયો હતો કે માત્ર જસપાલ રાણા જ તેમનું નસીબ પલટી શકે તેમ છે.
પેરિસ ઓલિમ્પિક પહેલાં મનુ ભાકરે કહ્યું હતું કે માત્ર જસપાલ રાણા જ તેમની પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકે છે. મનુ ભાકરે કાંસ્યપદક જીત્યો એ પછી જસપાલ રાણાએ અનેક મીડિયા આઉટલેટ્સ સાથે વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મનુ ઇતિહાસ રચવાની ક્ષમતા ધરાવે છે એવી મને આશા હતી એટલે તેઓ મનુને ના ન કહી શક્યા. જશપાલ આ સફળતાનો શ્રેય મનુને જ આપે છે.
આ એક વર્ષ દરમિયાન જસપાલ રાણા પોતાની એકેડમીના લગભગ 100 તાલીમાર્થીઓને ભૂલી ગયા. જસપાલના કહેવા પ્રમાણે, તેમણે પોતાની તમામ ઊર્જા મનુ ભાકરને ઓલિમ્પિકની તૈયારીઓ કરાવવામાં લગાડી દીધી, અને તેનું પરિણામ આજે આપણી સમક્ષ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter