પોરબંદરઃ ક્રિકેટ ક્ષેત્રે હવે પોરબંદરના ખેલાડીઓ વિદેશની ક્રિકેટ ટીમમાં પણ સ્થાન મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના વતની અને હાલ યુકેમાં સ્થાયી થયેલા પ્રેમ સિસોદીયા નામના યુવાનની પસંદગી અંડર-૧૯ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે થઈ છે.
વિસાવાડા ખાતે રહેતા પરબતભાઈ સિસોદીયા છેલ્લા ર૦ વર્ષથી યુકેમાં સ્થાયી થયા છે. તેમના પુત્ર પ્રેમને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તેમણે યુનિવસિર્ટીમાં અભ્યાસ કરવાની સાથે સાથે કલીફટન સ્પોર્ટસ સ્કૂલમાં ક્રિકેટની તાલીમ લીધી હતી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને સ્કોલરશીપ પણ મેળવી હતી. તાજેતરમાં અંડર-૧૯ વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમની પસંદગી કરાઇ હતી જેમાં પ્રેમનો પણ સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં ન્યૂઝીલેન્ડ ખાતે અંડર-૧૯ વર્લ્ડ કપ રમાવાનો છે, જેમાં વિસાવાડાનો પ્રેમ બેટીંગ-બોલિંગ-ફિલ્ડીંગ કરતો નજરે પડશે.
પ્રેમ લેફટ આર્મસ્પીનર (ચાઈનામેન) અને રાઈટ હેન્ડ મીડલ ઓર્ડર બેટસમેન છે. અગાઉ તે સાઉથ આફ્રિકા સામે ટૂર્નામેન્ટ રમી ચૂકયો છે. આ ઉપરાંત ભારત સામે પણ તે વોર્મઅપ મેચ રમી ચૂક્યો છે.
એક અહેવાલ અનુસાર પ્રેમે સાઉથ આફ્રિકાના ભુતપૂર્વ કેપ્ટન ગેરી કર્સ્ટન પાસે કોચિંગ મેળવ્યું છે. પરબતભાઈનો મોટો પુત્ર પ્રેમ અંડર-૧૯ ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન પામ્યો છે તો પ્રેમની નાની બહેન સેજલ પણ સ્પોર્ટસ સ્કુલમાં ક્રિકેટની તાલીમ લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના જયદેવ ઉનડકટે ટીમ ઇંડિયામાં સ્થાન મેળવ્યુ છે તો અજય લાલચેતાએ ઓમાન ટીમમાં સ્થાન મેળવી ચૂક્યો છે.