કરાચીઃ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પાસે પ્રતિબંધ હટાવવા માટે મદદ માગી હોવાના સમાચારનું ખંડન કર્યું છે. કનેરિયાએ કહ્યું તેણે ભારતીય બોર્ડ પાસેથી કોઈ પણ જાતની મદદ માગી નથી.
કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાક. ક્રિકેટમાં એકલા પડી ગયેલા અને શોષણનો શિકાર થવાથી દાનિશ દુઃખી છે, પરંતુ એક પાકિસ્તાની તરીકે ફક્ત આથી જ તેની નિષ્ઠા પર શંકા કરવી જોઈએ નહીં, કારણ કે તે એક હિન્દુ છે. તેને લાગે છે કે બીસીસીઆઇ તેની મદદ કરી શકે છે.
કનેરિયાએ આ સમાચારને ફગાવી દેતાં કહ્યું હતું, ‘ભારતીય મીડિયાએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. હા, મેં એક ભારતીય રિપોર્ટર સાથે વાત કરી હતી, પરંતુ મારી ભાવના પ્રતિબંધને લઈને બીસીસીઆઇ પાસેથી મદદ માગવાની નહોતી. મને પાકિસ્તાની હોવાનો ગર્વ છે.’