નોર્થવૂડની ઓએમટી ક્રિકેટ ક્લબ ખાતે 19 જુલાઇ 2022ના મંગળવારના રોજ 10મા પ્રાઇડવ્યૂ ક્રિકેટ કપની પ્રદર્શન મેચ પ્રોપર્ટી ઓલ સ્ટાર ટીમ અને એક્સ ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે યોજાઇ ગઇ. આ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે મેચ રમનારા પૂર્વ સ્ટાર ખેલાડીઓ પણ સામેલ હતાં. ધોમધખતી ગરમી છતાં આ મેચમાં મોટી સંખ્યામાં દર્શકોએ હાજર રહી ચેરિટી માટે 28,000 પાઉન્ડનું ભંડોળ એકઠું કરવામાં મદદરૂપ બન્યાં હતાં. ક્રિકેટ મેચ દરમિયાન એકઠા કરાયેલા ભંડોળનો ઉપયોગ એલિશા મલ્હોત્રાના બ્રાઇટ સ્ટાર્ટ સ્કોલરશિપ પ્રોગ્રામ, લંડન કોમ્યુનિટી કિચન અને એબીએલઇ ચેરિટીઝ માટે કરાશે. યોગ્ય સખાવતી સંસ્થાઓને સહાય માટે ભંડોળ ઊભું કરીને સમગ્ર વિશ્વમાં ગરીબોના જીવનોમાં સુધારો લાવી શકાય છે. આ ભંડોળ દ્વારા તેમને આરોગ્ય અને શિક્ષણ ઉપલબ્ધ કરાવી શકાય. આ વર્ષે આ સ્પર્ધામાં પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીમાંથી 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં નાઇટ ફ્રેન્ક, ઓલસોપ, એક્ઝિઓમ સ્ટોન, એસબીઆઇ યુકે, મેજર એસ્ટેટ્સ અને પ્રાઇડ વ્યૂનો સમાવેશ થાય છે. મેજર એસ્ટેટ આ સ્પર્ધામાં વિજેતા રહી હતી. ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ ઓવૈસ શાહ, એલેક્સ ટ્યુડોર, સમિત પટેલ, ડિવોન માલ્કમ, સાજિદ મેહમૂદ, સાયમન જેમ્સ ને રવિ બોપારાએ આ વર્ષની ઇવેન્ટને સહકાર આપ્યો હતો. પ્રાઇડવ્યૂએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, અમને જણાવતા ખુશી થાય છે કે તાપમાનનો પારો વિક્રમજનક સપાટી પર પહોંચી જવા છતાં 150 લોકોએ ગરમીને માત આપીને આ ઇવેન્ટને સફળ બનાવી હતી તેમજ ચેરિટી માટે 28,000 પાઉન્ડનું ભંડોળ એકઠું થયું હતું. અમારા પ્રયોજકો અને દાતાઓનો આ દયાના કામમા સહકાર માટે આભાર માનીએ છીએ.