પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના વાર્ષિક ચેરિટી ઈવેન્ટમાં 40,000 પાઉન્ડ એકત્ર કરાયા

Tuesday 16th July 2024 10:51 EDT
 
 

લંડનઃ પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના વાર્ષિક ચેરિટી ઈવેન્ટમાં 40,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ હતી. કોઈ પણ ક્રિકેટ ઈવેન્ટમાં તેના આરંભ પછી એકત્ર થયેલી આ સૌથી વધુ રકમ છે. પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપનું આ 12મુ વર્ષ છે ત્યારે આ વર્ષના ફંડ સહિત યુકે અને વિશ્વભરમાં ચેરિટીઝને સપોર્ટ કરતી સંસ્થા ‘વન કાઈન્ડ એક્ટ’ માટે આશરે કુલ 250,000 પાઉન્ડ એકત્ર કરાયા છે.
11 જુલાઈએ પ્રાઈડવ્યૂ ગ્રૂપ દ્વારા ગ્રેટર લંડનમાં નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે 12મા પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપનું આયોજન કરાયું હતું. આ લોકપ્રિય વાર્ષિક ઈવેન્ટ વિશ્વભરમાં આરોગ્ય અને શિક્ષણની ગરીબી સહન કરતા લોકોનું જીવન સુધારવા માટે કામ કરતી ‘વન કાઈન્ડ એક્ટ’ સંસ્થા માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજાય છે. આ વર્ષનું ભંડોળ ત્રણ ચેરિટીઝ - ટાન્ઝાનિયામાં વંચિત બાળકોને શિક્ષણ અને મેન્સ્ટ્રુઅલ સપોર્ટ માટે કાર્યરત સંસ્થા ‘મેઈડ વિથ હોપ’, ભારતમાં બાળકોને પાયાની જરૂરત અને શિક્ષણ માટે સપોર્ટ કરતી સંસ્થા ‘YUVA અનસ્ટોપેબલ’ તેમજ યુકેમાં યુવાઓની ઘરવિહોણી સ્થિતિનો અંત લાવવા કાર્યરત પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રી ચેરિટી ‘લેન્ડએઈડ’ને વહેંચાશે.
આ વર્ષના ક્રિકેટ દિવસમાં છ ખેલાડી સાથેની 6 ટીમે #પ્રાઈડવ્યૂક્રિકેટકપ હાંસલ કરવા સ્પર્ધા કરી હતી જેમાં મેજર એસ્ટેટ્સ હેરો સતત ત્રીજા વર્ષે વિજેતા બની હતી જ્યારે આ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનારી સ્પેક્ટર કોન્સ્ટન્ટ એન્ડ વિલિયમ્સ ટીમ બીજા સ્થાને રહી હતી. આ 6 ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે વ્યાવસાયિક સપોર્ટ માટે છ પૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ હર્ષલ ગિબ્સ (સાઉથ આફ્રિકા), ઓવૈસ શાહ (ઈંગ્લેન્ડ), સાજ મહમૂદ (ઈંગ્લેન્ડ), એલેક્સ ટ્યુડોર (ઈંગ્લેન્ડ), ઊસ્માન અફઝલ (પાકિસ્તાન) અને અલી બ્રાઉન (ઈંગ્લેન્ડ) ટીમો સાથે જોડાયા હતા.
આ ઈવેન્ટની રસપ્રદ બાબત એ રહી કે બીબીસી, ધ ગાર્ડિયન, ફાઈનાન્સિયલ ટાઈમ્સ, ઈવનિંગ સ્ટાન્ડર્ડ અને આઈરિશ ટાઈમ્સ સહિત વિવિધ અખબારોમાં સ્પોર્ટ્સ ઉપરાંત, સામાજિક અને ઐતિહાસિક મુદ્દા પર લખાણ અને બ્રોડકાસ્ટિંગ કરતા એવોર્ડવિજેતા જર્નાલિસ્ટ અને લેખક મિહિર બોઝ સાથે ઈન્ટરવ્યૂનું લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું. મિહિર બોઝે ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજય હાંસલ કર્યો તેના થોડા દિવસ પછી જ તેમના પુસ્તક ‘નાઈન વેવ્ઝઃ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ ઈન્ડિયન ક્રિકેટ’ વિશે થોડી વાતો પણ કરી હતી.
ક્રિકેટસ્પર્ધાની સાથોસાથ ઓનલાઈન અને જીવંત હરાજીઓએ ફંડની રકમ 40,000 પાઉન્ડ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ધ પ્રાઈડવ્યૂ ગ્રૂપ ખાતે પ્રિન્સિપાલ નીતિશ રાજ પટેલે જણાવ્યું હતું કે, ‘અમારા #પ્રાઈડવ્યૂક્રિકેટકપને સફળ બનાવવા બદલ અમારા સ્પોન્સર્સ, સમર્થકો અને દર્શકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે હંમેશાં આ દિવસને મનોરંજનથી ભરપૂર બનાવવા ઈચ્છીએ છીએ પરંતુ, અમારું આખરી લક્ષ્ય શક્ય તેટલું વધુ ભંડોળ એકત્ર કરવાનું રહે છે અને મળેલી રકમથી અમને ખૂબ આનંદ થયો છે. તમામ ટીમો માટે ગર્વ છે અને દરેકના સપોર્ટ બદલ આભારી છું. આપણે #PrideviewCricket 2025 ખાતે ફરીથી મળીશું! ’ ધ પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ હવે 2025માં યોજાશે. પ્રાઈડવ્યૂ ગ્રૂપને સપોર્ટ કરવા કે વધુ માહિતી મેળવવા માટે ઇમેઇલ કરોઃ [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter