જોહાનિસબર્ગઃ પ્રિટોરિયા હાઇ કોર્ટે સાઉથ આફ્રિકાના પેરાલિમ્પિક એથ્લિટ ઓસ્કાર પિસ્ટોરિયસને તેની પ્રેમિકા રિવા સ્ટીનકેમ્પની હત્યાના આરોપમાં દોષિત ઠરાવીને છ વર્ષ કેદની સજા ફરમાવી છે. ‘બ્લેડ રનર’ નામથી જાણીતા ૨૯ વર્ષીય પિસ્ટોરિયસને જસ્ટિસ તોકોઝિલે મસીપાએ આ સજા સંભળાવી હતી. પિસ્ટોરિયસ આ કેસમાં અગાઉ અઢી વર્ષ જેલમાં વીતાવી ચૂક્યો હોવાથી ત્રણ વર્ષ બાદ ૨૦૧૯માં જેલમાંથી છૂટી જાય તેવી શક્યતા છે. પિસ્ટોરિયસે અગાઉ કોસી મામ્પુરા જેલની હોસ્પિટલ વિંગમાં સજા કાપશે. અગાઉ તેણે આ જ જેલમાં અઢી વર્ષ વીતાવ્યા હતા.
બ્લેડ રનર પિસ્ટોરિયસે ત્રણ વર્ષ પહેલાં ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૩માં પોતાની પ્રેમિકા રિવાની ગોળી મારીને હત્યા કરી હતી. પિસ્ટોરિયસે રિવા પર ચાર ગોળી ચલાવી હતી, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. પિસ્ટોરિયસને ૨૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પાંચ વર્ષની સજા સંભળાવી હતી. તે વખતે દુનિયાભરના લોકો આ ઘટના વિશે જાણીને દિગ્મૂઢ થઇ ગયા હતા. તે વખતે પિસ્ટોરિયસને રિવાની અજાણતા હત્યા કરવા બદલ દોષિત ઠરાવાયો હતો.
જોકે બાદમાં હાઇ કોર્ટે તેને હત્યા બદલ દોષિત ઠરાવીને સમગ્ર નિર્ણય પલટી નાખ્યો હતો. વર્તમાન જજે અગાઉ સંભળાવાયેલા નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. એક વર્ષની સજા કાપ્યા બાદ પિસ્ટોરિયસને ગત વર્ષે ઓક્ટોબરમાં મુક્ત કરાયો હતો, પરંતુ તે પોતાના સંબંધીના ઘરે નજરકેદ હતો. પિસ્ટોરિયસના કેસમાં એવું ચર્ચાતું હતું કે, તેને ૧૫ વર્ષની સજા સંભળાવાશે, પરંતુ જજે તેને છ વર્ષની સજા સંભળાવી હતી. પિસ્ટોરિયસને સજા સંભળાવ્યા બાદ તુરંત જ જેલ મોકલી દેવાયો હતો.
ઘટનાના દિવસે શું થયું હતું?
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ પિસ્ટોરિયસના હાથે રિવાની હત્યા થઈ તે અંગે પિસ્ટોરિયસે પોતાના બચાવમાં કહ્યું હતું કે, આ હત્યાકાંડ એક ભૂલ હતી કેમ કે મને લાગ્યું કે, કોઈ ચોર ઘૂસી આવ્યો છે. આથી તે વખતે જજ થોકોજિલે માસિપાએ પિસ્ટોરિયસને અજાણપણે મૃત્યુ નીપજાવવા બદલ દોષિત જાહેર કરાયો હતો.
પિસ્ટોરિયસ અપીલ નહીં કરે
પ્રેમિકાની હત્યાના ગુના બદલ પિસ્ટોરિયસ સામે ગત ડિસેમ્બરમાં સદોષ માનવહત્યાનો ગુનો નોંધાયો હતો. આથી તેને ૧૫ વર્ષની સજા થવાની શક્યતા હતી. જોકે હવે છ વર્ષની સજા સંભળાવાતાં તેણે આ ચુકાદા સામે અપીલ ન કરવાનો નિર્ણય કર્યો છે. પિસ્ટોરિયસને છ વર્ષની મળેલી સજા પૈકી અઢી વર્ષની સજા કાપી ચૂક્યો છે અને વર્ષ ૨૦૧૯માં પોતાની સજા પૂર્ણ થતાં છૂટી જવાની શક્યતા છે.