નોટિંગહામઃ રસાકસીભરી મેચમાં ઇંગ્લેન્ડના લિયામ પ્લન્કેટે છેલ્લા બોલે ફટકારેલી સિક્સરથી શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચ ટાઇમાં પરિણમી હતી. કેપ્ટન મેથ્યુઝની ધૈર્યપૂર્ણ ઇનિંગ્સની મદદથી શ્રીલંકાએ નવ વિકેટે ૨૮૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડે આઠ વિકેટે ૨૮૬ રન કર્યા હતા. વોકિસ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
એક સમયે રનચેઝ કરતી વખતે ઇંગ્લેન્ડે ૮૨ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વોકિસ (અણનમ ૯૫) તથા બટલર (૯૩) ૧૩૮ રનની મજબૂત ભાગીદારી નોંધાવી ટીમને વિજય તરફ દોરી ગયા હતા. છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને વિજય માટે ૧૪ રનની જરૂર હતી.
ત્રીજો બનાવ
મેચના છેલ્લા બોલે સિક્સર નોંધાઇ હોય અને ટાઇ પડી હોય તેવો આ ત્રીજો બનાવ હતો...
• અગાઉ પાકિસ્તાનના આસિફ મુત્જબાએ ૧૯૯૨ની ૧૦મી ડિસેમ્બરે હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામે સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના ૭ વિકેટે ૨૨૮ રન સામે પાકિસ્તાને ૯ વિકેટે ૨૨૮ રન બનાવ્યા હતા.
• નેધરલેન્ડ્સના રિપ્પોને ૨૦૧૩ની નવમી જુલાઇએ આયર્લેન્ડ સામે સિદ્ધિ મેળવી હતી આયર્લેન્ડના પાંચ વિકેટે ૨૬૮ રનના જવાબમાં નેધરલેન્ડ્સે નવ વિકેટે ૨૬૮ રન કરતા મેચ ટાઇ થઇ હતી.