લંડનઃ બ્રિટનના દોડવીર મોહમ્મદ ફરાહે ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સમાં જીતેલો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવે તેવા સંજોગો સર્જાયા છે. અહેવાલ અનુસાર, લંડન ઓલિમ્પિક્સ પહેલા ફરાહે બે ડોપ ટેસ્ટમાં ભાગ લીધો ન હોવાથી સ્થિતિ સર્જાઇ છે. ફરાહ પહેલી વખત ૨૦૧૦ના ડોપ ટેસ્ટમાં સામેલ થયો ન હતો. જ્યારે બીજી વખત ફેબ્રુઆરી ૨૦૧૧માં પણ તેણે ડોપ ટેસ્ટ આપ્યો નહોતો. ૨૦૧૧માં અધિકારીઓ ડોપ ટેસ્ટ માટે તેના ઘરે ગયા હતા, પણ તેણે દાવો કર્યો હતો કે તેણે દરવાજાની ઘંટડી સાંભળી ન હતી. નોંધનીય છે કે ફરાહે લંડન ઓલિમ્પિક્સમાં ૫ હજાર અને ૧૦ હજાર મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. યુકેના એન્ટિ-ડોપિંગ નિયમો પ્રમાણે કોઈ એથ્લીટ બાર મહિનામાં ત્રણ વખત ડોપ ટેસ્ટ આપવામાં નિષ્ફળ રહે તો તેને ચાર વર્ષ સુધીના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.