હૈદરાબાદઃ ભારતીય સ્પિનર અશ્વિને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગમાં રહીમને આઉટ કરવાની સાથે કારકિર્દીની ૪૫મી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સાથે અશ્વિને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાનો ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ડેનીસ લીલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
લીલીએ ૪૮ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે અશ્વિને તેમના કરતાં ત્રણ ટેસ્ટ ઓછી લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી. અશ્વિને ૬ નવેમ્બર, ૨૦૧૧ના રોજ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને પાંચ વર્ષ અને ૯૫ દિવસના ગાળામાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે ડેનીસ લીલીએ ૨૯મી જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ ટેસ્ટ પ્રવેશ મેળવ્યો હતો અને તેમણે કારકિર્દીની ૨૫૦ વિકેટ ૭ ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ શરૂ થયેલી ભારત સામેની મેલબોર્ન ટેસ્ટમાં જ લીધી હતી.
અશ્વિનની અનોખી સિદ્ધિ
અશ્વિનને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ મળ્યો ત્યારથી અત્યાર સુધી અન્ય બોલરોની વિકેટ જોવામાં આવે તો તેઓ અશ્વિન કરતાં પાછળ છે. અશ્વિનને ૬થી ૯ નવેમ્બર, ૨૦૧૧ દરમિયાન નવી દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં પ્રવેશ અપાયો હતો. તે સમયથી લઇને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં અશ્વિન નંબર વન છે. આ પછી શ્રીલંકાના રંગાના હેરાથને સ્થાન મળે છે, જે ૪૬ ટેસ્ટમાં ૨૪૭ વિકેટ ઝડપી ચૂક્યો છે.