કોલકાતાઃ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સમર ‘બદરુ’ બેનર્જીનું નિધન થયું છે. સમર ‘બદરુ’ બેનર્જી લાંબા સમય સુધી મોહન બાગાન તરફથી ફૂટબોલ રમ્યા હતા. તેણે મોહન બાગાનને ડ્યુરાન્ડ કપ, રોવર્સ કપ સહિત ઘણા ટાઇટલ જીતાડ્યા હતા. 92 વર્ષીય સમર ‘બદરુ’એ લાંબી માંદગી બાદ શનિવારે કોલકાતાની SSKM હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સમર 'બદરુ' બેનર્જીએ 1956 મેલબોર્ન ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમનું પણ નેતૃત્વ કર્યું હતું. 'બદરુદા' તરીકે જાણીતા સમર બેનર્જી અલ્ઝાઈમર, એઝોટેમિયા અને હાઈપરટેન્શન સંબંધિત રોગોથી પીડિત હતા.
મેલબોર્ન ઓલિમ્પિકમાં ડિસોઝાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર હેટ્રિક ગોલ ફટકાર્યા હતા. સેમિફાઇનલમાં યુગોસ્લાવિયા સામે 1-4થી હાર્યા બાદ ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં બલ્ગેરિયા સામે 0-3થી હાર્યા બાદ ભારતીય ટીમ ચોથા ક્રમે રહી હતી. તે યુગને ભારતીય ફૂટબોલનો 'સુવર્ણ યુગ' કહેવામાં આવે છે.
સમર 'બદરુ' બેનર્જી લાંબા સમય સુધી મોહન બાગાન તરફથી ફૂટબોલ રમ્યા હતા. તેમણે મોહન બાગાનને ડ્યુરાન્ડ કપ (1953), રોવર્સ કપ (1955) સહિત અનેક ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. એટલું જ નહીં વર્ષ 1962માં કોચ તરીકે તેઓ પશ્ચિમ બંગાળને સંતોષ ટ્રોફી જીતાડવામાં સફળ રહ્યા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા.