સિનસિનાટીઃ સ્વિસ ખેલાડી રોજર ફેડરરે મેન્સ સિંગલ્સમાં ટોપ સિડેડ નોવાક જોકોવિચને માત્ર ૯૦ મિનિટમાં હરાવીને સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. આ સાથે જ તેણે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં ઝમકદાર દેખાવ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. સ્વિર્ત્ઝલેન્ડના ફેડરરે સિનસિનાટીમાં સાતમી વખત આ ટાઇટલ જીત્યું છે.
ફાઇનલ મુકાબલામાં ફેડરરે સર્બિયાના જોકોવિચને ૭-૬ (૭-૧), ૬-૩થી પરાજય આપ્યો હતો. બીજી તરફ જોકોવિચ સ્પર્ધામાં પાંચમી વખત ફાઇનલમાં રમ્યો હતો. જોકે તે પાંચેય વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યો છે.
માત્ર ૪૯ મિનિટમાં વિજેતા
વિમેન્સ સિંગલ્સમાં ટોપ સિડેડ સેરેના વિલિયમ્સે સિમોના હાલેપને જોરદાર સંઘર્ષ બાદ પરાજય આપતા સિનસિનાટી માસ્ટર્સ (વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપન) ખિતાબ કબ્જે કર્યો હતો. વિશ્વની નંબર-વન સેરેનાએ હાલેપને ૪૯ મિનિટમાં ૬-૩, ૭-૬થી પરાજય આપ્યો હતો. સેરેનાએ બીજી વખત આ ટાઇટલ જીત્યું છે. સેરેનાની કરિયરનો આ ૬૯મો ખિતાબ છે.