ધોરણ ૬માં અભ્યાસ કરતા આર્યન પટેલે ફેરફિલ્ડ પ્રેપેરટરી સ્કૂલ તરફથી સદી વિંઝીને પોતાની ટીમને રેટક્લીફ કોલેજ સામે વિજય અપાવ્યો હતો અને શાળાની રેકોર્ડ બુકમાં શાળા તરફથી પ્રથમ વખત સદી ફટકારનાર ક્રિકેટર તરીકેનુ બહુમાન મેળવ્યું છે.
આર્યને માત્ર ૬૬ બોલમાં ૧૦૨ રન ફટકાર્યા હતા. અંડર ઇલેવન ટીમના કેપ્ટન તરીકે રમતા આર્યન કુલ પાંચ અડધી સદી પણ ફટકારી ચૂક્યો છે અને તેણે પ્રથમ અડધી સદી માત્ર નવ વર્ષનો હતો ત્યારે ફટકારી હતી. આર્યન લાફબરો ટાઉન તરફથી પણ ક્રિકેટ રમે છે અને છેલ્લા ૪ વર્ષથી તે કાઉન્ટી સ્કવોડમાં છે.
આયર્નના પરિવારમાં પહેલેથી જ ક્રિકેટનું ટેલેન્ટ ભરેલું પડ્યુ છે. તેનો પિતરાઇ ભાઇ શિવ ઠાકોર ડર્બીશાયરનો અોલરાઉન્ડર છે અને ઇંગ્લેન્ડના અંડર ૧૯ની ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન છે.
આર્યને જણાવ્યું હતું કે 'જ્યારે મેં સો રનનો આંક પાર કર્યો ત્યારે હું રોમાંચીત થઇ ગયો હતો અને બીજી તરફ સો રન થતાં જ હું હળવો થઇ ગયો હતો. મારી ટીમ જીતતા મને ભરપૂર આનંદ થયો હતો.'