ડોર્ટમંડઃ ઇંગ્લેન્ડ સામેની ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચમાં નિર્ણાયક ગોલ કરીને જર્મન વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય લુકાસ પોડોલસ્કીએ ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કરી છે. મેચમાં નિર્ણાયક ગોલ નોંધાવનાર પોડોલસ્કીએ કબૂલાત કરી હતી કે જર્મની માટે મારી કારકિર્દીનો આના કરતાં વધારે સુખદ અંત હોઇ શકે નહીં. મેચ બાદ ભાવુક બનેલા જર્મન સ્ટાર સ્ટ્રાઇકર પોડોલસ્કીએ પોતાની ૧૩૦મી તથા અંતિમ ઇન્ટરનેશનલ મેચમાં ૪૯મો ગોલ નોંધાવ્યો હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો. પોડોલસ્કીએ રમતની ૬૯મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. ત્યારબાદ તે રમત પૂરી થવામાં મિનિટ બાકી હતી ત્યારે મેદાનની બહાર આવ્યો હતો અને પ્રેક્ષકોએ તેનું ઊભા થઇને તાળીઓ સાથે અભિવાદન કર્યું હતું.
પોડોલસ્કીએ જણાવ્યું હતું કે જર્મની માટે મારી કારકિર્દીનો જે રીતે અંત થયો છે તે કોઇ ફિલ્મ સમાન હતું. ઇશ્વરે મારો ડાબો પગ મજબૂત બનાવ્યો છે, જેનો મેં ઉપયોગ કર્યો હતો. મને મારી ૧૩ વર્ષની કારકિર્દી પર ગર્વ છે. શાનદાર મેચ હતી જેનું પરિણામ પણ સ્વપ્નશીલ આવ્યું હતું. મેં ફુટબોલમાંથી શાનદાર રીતે વિદાય લીધી છે જેને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. પોડોલસ્કીએ પોતાની પરંપરાગત ઇંગ્લેન્ડની ટીમ સામે ઘરઆંગણે ૧૯૮૭ બાદ મેળવેલા પ્રથમ વિજયમાં પોતાની વર્લ્ડ ચેમ્પિયન જર્મન ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.