લંડનઃ બ્રિટિશ-ભારતીય સ્ટીલ ક્ષેત્રના અગ્રણી સંજીવ ગુપ્તાએ ફ્રાન્સની એકમાત્ર એલ્યુમિનિયમ વ્હીલ્સ ઉત્પાદક એ આર ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા માટે ઔપચારિક બિડ કરી છે. ગુપ્તાના ગ્લોબલ ઇન્ડ્સ્ટરિયલ ગ્રૂપ GFG (ગુપ્તા ફેમિલી ગ્રુપ) એલાયન્સના સભ્ય લિબર્ટી ગ્રૂપે ફ્રાન્સની કોર્ટમાં આ કંપની માટે બિડ જમા કરાવી છે.
એ આર ઇન્ડસ્ટ્રીઝને ઉગારવા હાથ ધરાયેલી આ બિડિંગ પ્રક્રિયામાં GFG એલાયન્સને સફળતા મળશે તો ૪૦૦ લોકોની રોજગારી બચી જશે. લિબર્ટી હાઉસ માંદા બિઝનેસોને બેઠા કરવાનો સફળ ઇતિહાસ ધરાવે છે. લિબર્ટી ગ્રૂપ અત્યારે યુરોપના સૌથી મોટા એલ્યુમિનિયમ સ્મેલ્ટર એલ્યુમિનિયમ ડન્કર્કને ખરીદવાની પ્રક્રિયા પણ કરી રહી છે. ગુપ્તા તેમના ગ્રૂપ માટે ફ્રાન્સને મુખ્ય કેન્દ્ર બનાવવા માંગે છે. આ કંપની કાચા માલનો મોટો સપ્લાય એ આર ઇન્ડસ્ટ્રીઝને પણ કરે છે. સ્ટીલ ઉદ્યોગને વધારે ટકાઉ બનાવવા માટે ગ્રીનસ્ટીલ યોજના ધરાવતા ગુપ્તા આ ખરીદી દ્વારા તેમની યોજનાને વેગ આપવા માગે છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ખાસ કુશળ કારીગરોની રોજગારી સલામત રહે અને અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ ઓપરેશન્સને વધારે સ્પર્ધાત્મક અને ટકાઉ બનાવે તેવા ઇન્ટિગ્રેટેડ વેલ્યુ એડેડે બિઝનેસનું સર્જન કરવાની અમારી યોજના સાકાર કરવા માટે એ આર ઈન્ડસ્ટ્રીઝ સંપૂર્ણપણે યોગ્ય છે. આ રોકાણથી અમને ગ્રીનસ્ટીલ અને ગ્રીનએલ્યુમિનિયમ સસ્ટેનેબલ પ્રોડક્શન સ્ટ્રેટેજી સાકાર કરવામાં સફળતા મળશે.’
ગુપ્તા માને છે કે, યુરોપિયન અને વૈશ્વિક કાર માર્કેટ આગામી વર્ષોમાં હજુ વૃદ્ધિ કરશે અને તેની સાથે એલ્યુમિનિયમની માંગ પણ જબરજસ્ત વધશે. કાર માર્કેટમાં છેલ્લા એક દાયકામાં ૫૦ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.