પેરિસઃ સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નદાલે ફરી એક વખત ફ્રેન્ચ ઓપન ૨૦૧૯ના મેન્સ સિંગલ્સનો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તેણે ક્લે કોર્ટ પર સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનવાની હેટ્રિક નોંધાવી છે. ક્લે કોર્ટના બાદશાહ નદાલે વિક્રમજનક ૧૨મી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે. વિશ્વના બીજા ક્રમાંકિત નદાલે ગ્રાન્ડ સ્લેમને ૧૦ કે તેથી વધુ વખત જીતનાર પ્રથમ ખેલાડી તરીકેની સિદ્ધિ પણ પોતાના નામે કરી છે.
૩૩ વર્ષીય નદાલની કારકિર્દીનો આ ૧૮મો ગ્રાન્ડ સ્લેમ છે. જોકે તે હજુ પણ સ્વિર્ટ્ઝલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર કરતાં બે મેજર ટાઇટલ દૂર છે. ફાઇનલ મુકાબલામાં નદાલે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને ચાર સેટમાં ૬-૩, ૫-૭, ૬-૧, ૬-૧થી હરાવ્યો હતો. ફાઇનલ મુકાબલો ત્રણ કલાક એક મિનિટ સુધી રમાયો હતો.