બટલર ‘માંકડેડ’ રનઆઉટઃ અશ્વિને વિનુ માંકડની યાદ અપાવી

Tuesday 26th March 2019 14:07 EDT
 
 

જયપુરઃ આઇપીએલ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગમાં સોમવારે કિંગ્સ ઇલેવન પંજાબના સુકાની આર. અશ્વિને પોતાની ટીમ માટે જોખમી બની રહેલા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને ‘માંકડેડ’ રનઆઉટ કરીને ૧૯૪૭માં ભારતે ખેડેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિનુ માંકડે ઝડપેલી વિકેટની યાદ તાજી કરાવી હતી.
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન માટે ૧૩મી ઓવરનો પાંચમો બોલ નાખવા માટે અશ્વિન છેક સ્ટમ્પ સુધી આવી ગયો હતો. આ સમયે બટલર નોન-સ્ટ્રાઇકર એન્ડ ઉપર હતો અને તેણે રન માટે સામાન્ય સ્ટાર્ટ લીધો હતો. આ સમયે અશ્વિને બોલિંગ કરવાના બદલે જરાક અટકીને બટલર ક્રિઝની બહાર નીકળી જાય ત્યાં સુધી રાહ જોઇ હતી અને જેવો બટલર બહાર નીકળ્યો કે અશ્વિને સ્ટમ્પ પરથી બેઇલ્સ ઉડાવી દીધી હતી.

વિકેટનું નામ ‘માંકડેડ’!

ભારતે ૧૯૪૭માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો હતો ત્યારે સિડની ટેસ્ટમાં માંકડે બિન બ્રાઉનને રનઆઉટ કર્યા હતા. માંકડ પણ સ્ટમ્પ પાસે આવીને ઊભા રહી ગયા હતા. તેમણે બ્રાઉનના ક્રિઝની બહાર જવાની રાહ જોઇ હતી. પ્રવાસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઇલેવન સામે પણ બ્રાઉનને માંકડેડ રનઆઉટ કર્યા હતા. જોકે તે સમયે માંકડે ખેલદિલી દાખવીને બ્રાઉનને ક્રિઝની બહાર નીકળી જવા સામે ચેતવણી આપી હતી. જોકે બ્રાઉને માંકડની આ ચેતવણીની અવગણના કરી હતી. આખરે માંકડે મોકો મળતાં જ બ્રાઉનને રનઆઉટ કર્યા હતા. તે સમયે ઓસ્ટ્રેલિયન મીડિયાએ પણ માંકડના આ અભિગમને સ્પોર્ટસમેન સ્પિરિટની ભાવનાવિહોણો ગણાવીને આકરી ટીકાઓ કરી હતી. એટલું જ નહીં, આ પ્રકારના રનઆઉટને ‘માંકડેડ’ નામ આપ્યું હતું.
આઇપીએલ સિઝન-૧૨ની સોમવારે રમાયેલી આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે યજમાન રાજસ્થાન રોયલ્સને ૧૪ રને પરાજય આપ્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૮૪ રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૧૭૦ રન કરી શકી હતી.

ચેન્નઇનો વિજયી પ્રારંભ

અનુભવી સ્પિનર હરભજન અને ઇમરાન તાહિરે કરેલી ઘાતક બોલિંગ બાદ અંબાતી રાયડુએ નોંધાવેલા ઉપયોગી ૨૮ રનની મદદથી ચેન્નઇ સુપરકિંગ્સે આઇપીએલ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગના સૌપ્રથમ મુકાબલામાં જ્વલંત વિજય મેળવ્યો હતો. ચેન્નઇએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સાત વિકેટે હરાવીને વિજયી પ્રારંભ કર્યો છે. બેંગલોરની ઇનિંગ્સ ૧૭.૧ ઓવરમાં ૭૦ રનમાં સમેટાઇ હતી. જેના જવાબમા ચેન્નઈએ ૧૭.૪ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે આઈપીએલમાં ચેન્નઇ સામે બેંગ્લોરના પરાજયની પરંપરા જારી રહી હતી. ૨૦૧૪ બાદ તમામ સાતેય મેચમાં બેંગલોરનો ચેન્નઇ સામે પરાજય થયો છે.

ત્રણ ઓવરમાં ૫૩ રન

આંદ્રે રસેલ (અણનમ ૪૯)ની બેટિંગની મદદથી કોલકતાએ આઇપીએલ-૧૨ની પહેલી મેચમાં હૈદરાબાદને ૬ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદે વોર્નર (૮૫)ની અડધી સદી સાથે ત્રણ વિકેટે ૧૮૧ રન કર્યા હતા. જવાબમાં કેકેઆરએ ૧૯.૪ ઓવરમાં ૧૮૩ રન કરીને મેચ જીતી લીધી. વોર્નરની આ ટૂર્નામેન્ટમાં ૩૭મી અડધી સદી હતી. આ સાથે જ તે સૌથી વધારે ફિફટી નોંધાવનારો ખેલાડી બન્યો છે. ગૌતમ ગંભીર ૩૬ ફિફટી સાથે બીજા ક્રમે છે. કોલકાતાએ છેલ્લી ત્રણ ઓવરમાં જીત માટે ૫૩ રન કરવાના હતા. ૨૦મી ઓવરના બીજા અને ચોથા બોલ પર શુભમન ગિલે શાકિબ અલ હસનના બોલ પર બે સિક્સ લગાવીને ટીમને જીત અપાવી હતી.

હાઇસ્કોરિંગ મેચમાં મુંબઈની હાર

મુંબઇના વાનખેડેમાં રવિવારે રમાયેલી હાઇસ્કોરિંગ લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૩૭ રનથી પરાજય આપ્યો હતો. દિલ્હીના છ વિકેટે ૨૧૩ રનના જંગી સ્કોરના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેનાર મુંબઈ ઇંડિયન્સ ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૭૬ રનમાં આઉટ થઇ ગઇ હતી. અનુભવી બેટ્સમેન યુવરાજે ૩૫ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર સાથે સર્વાધિક ૫૩ રન બનાવ્યા હતા. ઈજાના કારણે બુમરાહ બેટિંગમાં આવ્યો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter