મેલબોર્નઃ ટેનિસ સુપરસ્ટાર સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચના ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે. ઓસ્ટ્રેલિયન કોર્ટનો નિર્ણય તેની વિરુદ્ધમાં આવ્યાના એક કલાકમાં જ જોકોવિચ તેની ટીમ સાથે મેલબોર્ન એરપોર્ટ પહોંચી ગયો હતો અને ઓસ્ટ્રેલિયાથી રવાના થઇ ગયો હતો.
ઓસ્ટ્રેલિયન કોર્ટે જોકોવિચના વિઝા રદ કરવાના સરકારના નિર્ણયને વાજબી ઠેરવતાં જોકોવિચની અપીલ ફગાવી દીધી હતી અને સાથે તેનો ખર્ચ પણ આ ખેલાડીના માથે ઢોળી દીધો હતો.
આ સાથે પાછલા ૧૧ દિવસથી પોતાના કોવિડ વેક્સિન સ્ટેસના મુદ્દે લડત આપી રહેલાં સર્બિયન ખેલાડીનાં અભિયાનનો અંત આવ્યો હતો અને સાથે ૨૧મો ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સ્વપ્ન પણ રોળાયું છે.
સોમવારથી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસનો આરંભ થઇ રહ્યો હતો તેની આગલી સાંજે - રવિવારે ચુકાદો આપતાં ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટના ચીફ જસ્ટિસ જેમ્સ અલસોપો જણાવ્યું હતું કે આ કોર્ટનો આદેશ છે કે સુધારેલી અરજીને ખર્ચ સાથે ફગાવી દેવામાં આવે છે.
નજરબંધ રાખવાનો કોર્ટઆદેશ
ફેડરલ કોર્ટની ત્રણ જજની બેન્ચે જનહિતને ધ્યાનમાં રાખીને ઈમિગ્રેશન પ્રધાન દ્વારા તેના વિઝાને રદ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. સરકારે તર્ક કર્યો હતો કે જોકોવિચે કોવિડ- ૧૯ વેક્સિન લીધી ન હોવાથી જાહેર સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે તેમ છે. આ પછી ફેડરલ કોર્ટના ચુકાદા અનુસાર જોકોવિચને જ્યાં સુધી ડિપોર્ટ ન કરાય ત્યાં સુધી તેને નજરબંધ રાખવાનો હતો. આથી જોકોવિચે કોર્ટના આદેશ બાદ તરત દેશને છોડી જોવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૧૪ જાન્યુઆરીએ જોકોવિચના વિઝા ફરી એક વાર રદ્દ કરીને તેની અટકાયત કરવામાં આવી હતી. તે પછી જોકોવિચના વકીલે સુધારેલી અપીલ દાખલ કરી હતી. ફેડરલ કોર્ટે આ ટેનિસ સ્ટારના ભાગ્યનો નિર્ણય ૧૧ દિવસના નાટકીય ઘટનાક્રમ બાદ કર્યો હતો. જોકે ટેનિસ કોર્ટનો બાદશાહ ગણાતો આ ખેલાડી કાનૂનની કોર્ટમાં મુકાબલો હારી ગયો હતો અને તેને સાથીદારો સાથે દેશ છોડી દેવાની ફરજ પડી હતી.