બર્મિંગહામના મેદાનમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈકઃ પાકિસ્તાનને રગદોળ્યું

Monday 05th June 2017 10:13 EDT
 
 

બર્મિંગહામ, તા. ૪ઃ ટીમ ઇન્ડિયાએ રવિવારે એજબસ્ટન મેદાનમાં રમાયેલી મેચમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૧૨૪ રને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૪૮ ઓવરમાં ત્રણ વિકેટે ૩૧૯ રન કર્યા હતા. વરસાદના વારંવાર વિઘ્ન બાદ પાકિસ્તાનને જીત માટે છેલ્લે ૪૧ ઓવરમાં ૨૮૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે સમગ્ર ટીમ ૩૩.૪ ઓવરમાં ૧૬૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ જ્યારે હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જ્યારે મેન ઓફ ધ મેચ યુવરાજ સિંહ થયો હતો.

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ દાવ ભારતને આપ્યો હતો, પરંતુ તેનો આ દાવ ઊલ્ટો પડ્યો હતો. ભારતે રોહિત શર્મા (૯૧), વિરાટ કોહલીની કેપ્ટન ઇનિંગ (અણનમ ૮૧), શિખર ધવન (૬૮) અને યુવરાજના આક્રમક ૫૩ રનની મદદથી ૪૮ ઓવરમાં ત્રણ વિકેટે ૩૧૯ રન કર્યા હતા. જોકે પાકિસ્તાનને ડકવર્થ લુઈ પદ્ધતિથી જીત માટે ૩૨૪ રનનો લક્ષ્ય મળ્યો હતો. પાકિસ્તાન ૪.૫ ઓવરની બેટિંગ કરી ત્યારે ૨૨ રન કર્યા હતા. તે વખતે ફરી વરસાદ આવતાં પાકિસ્તાનને જીત માટે ૪૧ ઓવરમાં ૨૮૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મેચ શરૂ થઈ ત્યારે પાકિસ્તાનનો સ્કોર ૪૭ રન થયો ત્યારે ભુવનેશ્વરે શેહઝાદને આઉટ કરી ભારતે પ્રથમ સફળતા અપાવી હતી, તે પછી બાબર પણ ખાસ રમી શક્યો નહોતો અને તે આઠ રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. અઝહર અલીએ ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અંગત ૫૦ રન બનાવી આઉટ થયા બાદ પાકિસ્તાનનું મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડર પણ નિષ્ફળ જતા નવ વિકેટ ગુમાવી ૧૬૪ રન બનાવી શકી હતી. ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ સતત બીજો વિજય હતો.

સતત સાતમો વિજય

ભારતીય ટીમે પાકિસ્તાનને પરાજય આપી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત સાતમી જીત મેળવી વેસ્ટ ઇન્ડિઝના રેકોર્ડની બરાબર કરી હતી. ભારતે ૨૦૦૯માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની અંતિમ લીગ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પરાજય આપ્યો હતો. જ્યારે ૨૦૧૩માં રમેયાલી ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ પાંચ મુકાબલા જીત્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન સતત સાત મેચમાં વિજય મેળવ્યો હતો. હવે જો ભારત ગુરુવાર - આઠમી જૂને શ્રીલંકા સામેથી મેચમાં વિજય મેળવશે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત આઠ મેચમાં જીત મેળવવાનો રેકોર્ડ બનાવી લેશે.

યુવરાજ-કોહલીનો ઝંઝાવાત

કેપ્ટન કોહલી અને યુવરાજની જોડીએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં સ્ફોટક બેટિંગ કરતાં માત્ર ૫૪ બોલમાં જ ૯૩ રન ઝૂડી કાઢ્યા હતા. રોહિત શર્મા આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર ૩૬.૪ ઓવરમાં બે વિકેટે ૧૯૨ રન હતો. આ પછી કોહલીની સાથે યુવરાજ જોડાયો હતો. કોહલી અને યુવરાજે મુશ્કેલ પીચ પર ધીરજભરી બેટીંગ કરતાં સ્કોરને આગળ ધપાવ્યો હતો. પાકિસ્તાનની નબળી ફિલ્ડિંગનો પણ ભારતને ફાયદો મળ્યો હતો. કોહલી અને યુવરાજે ભારતના સ્કોરને ૨૮૫/૨ સુધી પહોંચાડયો હતો. તેમાંય ખાસ કરીને ૪૫ અને ૪૬મી ઓવરમાં તો તોફાન મચાવતા કોહલી અને યુવરાજની જોડીએ ૩૮ રન ઝૂડયા હતા. યુવરાજ અને કોહલીએ આ દરમિયાન જ પોતપોતાની અડધી સદીઓ પુરી કરી હતી.

રોહિત-ધવનની ત્રીજી શતકીય ભાગીદારી

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી વન-ડેમાં ભારતને રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ધીમી પણ સંગીન શરૂઆત અપાવી હતી. ભારતીય ઓપનિંગ જોડીએ પ્રારંભે વિકેટ બચાવવા પર ધ્યાન આપ્યું હતું. આથી સ્કોર બોર્ડ ખૂબ ધીમી ગતિએ ફરતું રહ્યું હતું. જોકે શરૂઆતની ૧૫ ઓવર બાદ બંને ખેલાડીઓએ આક્રમક સ્ટ્રોક્સ ફટકારવાના શરૂ કર્યા હતા. બંનેએ ૧૩૬ રનની ભાગીદારી કરી હતી. આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ શતકીય ભાગીદારી કરવાનો રેકોર્ડ રોહિત શર્મા અને ધવને પોતાના નામે કર્યો છે. અત્યાર સુધી રોહિત-ધવન અને વિન્ડિઝના ચંદર પોલ-ગેલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌધી વધુ બે-બે વખત શતકીય ભાગીદારી કરવાનો રેકોર્ડ ધરાવતા હતા. ધવન-રોહિત આ સાથે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં શતકીય ભાગીદારી કરતાં ઈતિહાસ રચ્યો હતો.

હાર્દિકની સિક્સરની હેટ્રિક

વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આખરી ઓવરમાં વિસ્ફોટક બેટિંગ (૬ બોલમાં ૨૦ રન) કરતાં સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકો અને દુનિયાભરના ભારતીય ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા હતા. પાકિસ્તાન તરફથી ભારતની ઈનિંગની આખરી ઓવર ઈમાદ વસીમે નાંખી હતી, જેમાં હાર્દિક પંડ્યાએ પહેલા જ ત્રણ બોલ ઉપર સિક્સર ફટકારી હતી. હાર્દિક પંડ્યાની સિક્સરની હેટ્રિકથી પાકિસ્તાનનો કેમ્પ સ્તબ્ધ થઈ ગયો હતો જ્યારે ભારતીય ક્રિકેટચાહકો ગેલમાં આવી ગયા હતા. આ પછી વરસાદ શરૂ થયો હતો અને પંડયાએ એક રન લઈ કોહલીને સ્ટ્રાઈક આપી હતી. જે પછી ઈનિંગના આખરી બોલે કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતે આખરી ઓવરમાં ૨૩ ઝૂડ્યા હતા. હાર્દિક પંડ્યા અગાઉ આઈપીએલ તેમજ ભારતીય ટીમ તરફથી શાનદાર દેખાવ કરી ચૂક્યો છે.

પાક.ના બે બોલરો ઈજાગ્રસ્ત

વરસાદી પરિસ્થિતિનો ફાયદો ઊઠાવતા પાકિસ્તાનના બોલરોએ શરૂઆતમાં ભારતીય બેટ્સમેનો પર પ્રભાવ જમાવ્યો હતો. પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરને ઈનિંગની ૪૪મી ઓવરમાં પહેલા બોલ બાદ સ્નાયુ ખેંચાઈ જવાના કારણે ઈજા થઈ હતી. આ પછી રિયાઝે તેની ઓવર પૂરી કરી હતી. ભારતે રિયાઝની ૮.૪ ઓવરમાં ૮૭ રન ઝૂડ્યા હતા. ઈનિંગની ૪૬મી ઓવરમાં પાંચમા બોલ પર રિયાઝને પણ પગમાં ઈજા થઈ હતી અને આખરે તે મેદાન છોડી ગયો હતો. તેની ઓવરનો આખરી બોલ ઈમાદ વસીમે નાંખ્યો હતો.

ધવનના ૪૩૧ રન

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવને છ મેચમાં ૪૩૧ રન બનાવ્યા છે અને તે વર્તમાન સમયમાં રમી રહેલા ક્રિકેટર્સમાં પ્રથમ સ્થાને છે. ક્રિસ ગેલે સર્વાધિક ૭૯૧ રન બનાવ્યા છે, પરંતુ વિન્ડીઝ ટીમ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ નથી. રોહિત શર્મા અને શિખર ધવન છેલ્લે જાન્યુઆરી ૨૦૧૬માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં ઓપનિંગમાં ઊતર્યા હતા. તે વખતે બંનેએ ૧૨૩ રનની ભાગીદારી નોંધાવી હતી.

ટોચના ચાર ખેલાડીની અડધી સદી

પાકિસ્તાન સામેની આઈસીસી ચેમ્પ્યિન્સ ટ્રોફીની વન-ડેમાં ભારતીય ઈનિંગમાં ટોચના ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ભારતીય વન-ડે ઈતિહાસમાં ત્રીજી વખત આ પ્રકારની અનોખી ઘટના બની હતી. ભારતીય ઓપનર રોહિત શર્માએ ૯૧, શિખર ધવને ૬૮, કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ ૮૧ તેમજ યુવરાજ સિંહે ૫૩ રન ફટકાર્યા હતા. ભારતીય ક્રિકેટમાં અગાઉ આવી ઘટના બે વખત નોંધાઈ છે અને બે વખત ઈંગ્લેન્ડ સામે આ રેકોર્ડ નોંધાયો છે. ભારતે ૨૦૦૬માં ઈન્દોરમાં અને ૨૦૦૭માં હેંડિગ્લેમાં આવી સિદ્ધિ મેળવી હતી.

વરસાદનું વિઘ્ન

પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે ૯.૫ ઓવરમાં વિના વિકેટે ૪૬ રન કર્યા હતા તે સમયે વરસાદ આવતાં મેચ રોકવી પડી હતી. આ સમયે રોહિત શર્મા ૨૫ અને શિખર ધવન ૨૦ રને રમતમાં હતા. ૫૦ મિનિટ બાદ વરસાદ રોકાતાં મેચ ફરી શરૂ થઈ હતી. આ પછી ૨૩.૨ ઓવરની રમત રમાઈ ત્યારે ફરી વરસાદ આવતાં મેચ અટકી હતી. આ સમયે ભારતે ૩૩.૧ ઓવરમાં ૧૭૩ રન કર્યા હતા. ફરી મેચ ૪૦ મિનિટ બાદ શરૂ થઈ હતી, પણ વરસાદના કારણે મેચ ૪૯-૪૯ ઓવરની કરી દેવાઈ હતી. મેચ શરૂ થવાની બે મિનિટ પહેલાં ફરી વરસાદ શરૂ થયો હતો. જોકે વરસાદ રોકાતાં ૧૫ મિનિટ બાદ ફરી મેચ શરૂ થઈ હતી. આ વખતે વધુ એક ઓવર ઘટાડીને ૪૮-૪૮ ઓવર કરી દેવાઈ હતી. આ પછી પાકિસ્તાન બેટિંગમાં ઊતર્યું ત્યારે ફરી વરસાદ આવતાં મેચ રોકવી પડી હતી. વરસાદ અટક્યા બાદ પાક. ઇનિંગ શરૂ થઈ હતી જેમાં ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે તેમને જીત માટે ૪૧ ઓવરમાં ૨૮૯ રનનો લક્ષ્યાંક અપાયો હતો.

ભારતે રેકોર્ડ સરભર કર્યો

વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો ભારત સામે દેખાવ ઘણો ખરાબ રહ્યો છે. પાકિસ્તાન અને ભારત વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી છ વખત ટકરાયા છે. અને તમામ વખતે ભારતે પાકિસ્તાનને પછાડ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોકે આ મેચ પહેલાં પાકિસ્તાનનો રેકોર્ડ ૨-૧નો હતો પરંતુ રવિવારે ભારતે પાકિસ્તાનને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હારનો રેકોર્ડ ૨-૨ કરી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter