બાંગ્લાદેશમાં ટીમ ઇંડિયાનું ધબાય નમઃ સતત બીજી વન-ડેમાં હાર

Monday 22nd June 2015 12:57 EDT
 
 

મિરપુરઃ એક તરફ ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે વિશ્વભરમાં નામ ગજાવ્યું છે, ત્યારે ટીમ ઇંડિયાએ બાંગ્લાદેશમાં સતત બીજી વન-ડેમાં પરાજય સાથે દેશનું નામ લજવ્યું છે. આ સાથે જ ભારતે ત્રણ વન-ડેની શ્રેણી પણ ૨-૦થી ગુમાવી છે. બીજી વન-ડેમાં પણ ભારતના પરાજયમાં નવોદિત બોલર મુસ્તફિઝુરે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પહેલી વન-ડેમાં પાંચ વિકેટ ઝડપીને ભારતને પરાજયના પંથે દોરી જનાર આ બોલરે બીજી વન-ડેમાં છ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.
બાંગ્લાદેશે ઘરઆંગણે સતત ૧૦મી વન-ડે જીતી છે. આ સાથે તેણે ૨૦૧૭માં રમાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજા શબ્દોમાં કહીએ તો આગામી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન કે વેસ્ટ ઇન્ડિઝ બેમાંથી એક ટૂર્નામેન્ટમાં નહીં હોય.
વરસાદના વિઘ્નના લીધે બીજી વન-ડેને ભારતની ઇનિંગ્સના અંત ભાગમાં ટૂંકાવીને ૪૭ ઓવરની કરી નંખાઇ હતી, પણ ટીમ ઇંડિયાનો ૪૫ ઓવરમાં ૨૦૦ રનમાં જ સમેટાઇ ગયો હતો. ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે ૩૮ ઓવરમાં ચાર વિકેટના ભોગે જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બંને ટીમો વચ્ચે ૩૧મી મેચ હતી જેમાં ભારતે ૨૫ તથા બાંગ્લાદેશ પાંચ મેચ જીતી છે. એક મેચ રદ થઇ હતી.
બોલર્સ માટે સ્વર્ગસમાન પિચ પર મેન ઓફ મેચ ૧૯ વર્ષીય મુસ્તફિઝુરે છ વિકેટ ઝડપીને ભારતની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. ભારત તરફથી ધવને ૬૦ બોલમાં ૫૩, ધોનીએ ૭૫ બોલમાં ૪૭ તથા રૈનાએ ૩૪ રન કર્યા હતા. ધોની અને રૈનાએ ૫૩ રનની ભાગીદારી નોંધાવીને નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. બંનેએ અત્યાર સુધીમાં ૩૦૪૫ રનની ભાગીદારી નોંધાવી ચૂક્યા છે. આસાન લક્ષ્યાંક સાથે મેદાને પડેલી બાંગ્લાદેશની ટીમે નવ ઓવર બાકી રાખીને વિજયી લક્ષ્યાંક હાસલ કરી લીધું હતું.
પ્રથમ વન-ડે
ટીમ ઇંડિયાનો મિરપુરમાં જ રમાયેલી પહેલી વન-ડેમાં પણ કારમો પરાજય થયો હતો. ગયા મંગળવારે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ત્રણ બેટ્સમેનોની અડધી સદી સાથે ૩૦૭ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. આ પછી કારકિર્દીની પહેલી જ આંતરરાષ્ટ્રીય વન-ડે રમી રહેલા પેસ બોલર મુસ્તફિઝુર રહેમાને પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ટીમ ઇંડિયાનો દાવ ૨૨૮ રનમાં જ સમેટાઈ જતાં બાંગ્લાદેશનો ૭૯ રને વિજય થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter