લોસ એન્જલસઃ બાસ્કેટ બોલના જાદુગર અને નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશન (એનબીએ)ના પૂર્વ દિગ્ગજ ખેલાડી કોબે બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ નીપજતાં રમતગમતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં કોબે બ્રાયન્ટ તેમની દીકરી સહિત નવ લોકો પ્રવાસ કરતા હતા. આ તમામના મૃત્યુ નીપજ્યાં છે.
હેલિકોપ્ટર ક્રેશ થયાની વાતને સમર્થન આપતાં લોસ એન્જલસના કાઉન્ટી શેરિફે કહ્યું હતું કે બાસ્કેટ બોલના દિગ્ગજ ખેલાડી કોબે બ્રાયન્ટની સાથે સવાર અન્ય નવ લોકોના મોત નીપજ્યાં છે. હેલિકોપ્ટર ક્રેશની ઘટના લોસ એન્જલસના સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦ વાગે બની હતી. અકસ્માત સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું હોવાના કારણે તેમના રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આ સમયે હેલિકોપ્ટરમાં સવાર તમામના લોકોના મોત નીપજ્યા છે.
૨૦ વર્ષની પોતાની કારકિર્દીમાં કોબે બ્રાયન્ટે બાસ્કેટ બોલના ઇતિહાસમાં અનેક કિર્તીમાન સ્થાપી ચુક્યાં છે. બ્રાયન્ટ નેશનલ બાસ્કેટ બોલ એસોસિયેશનની સાથે રમી ચૂક્યા છે અને સાથે જ પાંચ ચેમ્પિયનશીપ પણ પોતાના નામે કરી હતી.
તેમના નિધનના સમાચાર ફેલાતા જ સચિન તેંડુલકરથી માંડીને વિરાટ કોહલી, વિવિયન રિચાર્ડ્સ સહિતના ટોચના ખેલાડીઓએ આઘાત સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી.