લંડનઃ કોરોના વાઇરસ મહામારીને પગલે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ રદ કરાઈ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર એવું થયું છે કે જ્યારે ગ્રાસ કોર્ટની ટૂર્નામેન્ટ રદ થઈ છે. હવે આ ગ્રાન્ડસ્લેમ ૨૦૨૧માં ૨૮ જૂનથી ૧૧ જુલાઈ દરમિયાન રમાશે. ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ કલબ દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી.
ક્લબે એક નિવેદનમાં કહ્યું કે, ઘણા અફસોસ સાથે આ કહેવું પડે છે કે ઓલ ઇંગ્લેન્ડ ક્લબના મુખ્ય બોર્ડ અને ચેમ્પિયનશિપની સમિતિએ કોવિડ-૧૯ના કારણે સર્જાયેલી સ્વાસ્થ્યની ચિંતાના કારણે આ વર્ષે ટૂર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે ૧૩૪મી ચેમ્પિયનશિપનું આયોજન ૨૮મી જૂનથી ૧૧ જુલાઈ ૨૦૨૧ દરમિયાન થશે. સમિતિએ કહ્યું કે, જે લોકોએ ટિકિટ લઈ લીધી છે, તેમને રિફંડ આપવામાં આવશે. આ વર્ષે ટૂર્નામેન્ટ ૨૯ જૂનથી ૧૨ જુલાઈ દરમિયાન યોજાવાની હતી.
ક્લબ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સ્પર્ધા રદ કરવાનો હેતુ ખેલાડીઓની સાથોસાથ રમતપ્રેમીઓની આરોગ્યલક્ષી સલામતી છે. હાલ કોઇ એક સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય તે યોગ્ય નથી. કોરોના વાઇરસની મહામારી નજીકના સમયમાં કાબુમાં આવે તેવી ઓછી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
વિમ્બલ્ડનને રદ કર્યા પહેલા ફ્રેન્ચ ઓપન પણ ૨૦મી સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ ગ્રાન્ડસ્લેમ આ વર્ષે ૨૪ મેથી સાતમી જૂન દરમિયાન થવાની હતી. હવે ૨૦મી સપ્ટેમ્બરથી ચોથી ઓક્ટોબર સુધી ચાલે તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયન ઓપન કોવિડ-૧૯ રોગચાળો મહામારી બન્યો તે અગાઉ જાન્યુઆરીમાં રમાઈ હતી. યુએસ ઓપન ઓગસ્ટના ઉત્તરાર્ધ પહેલા શરૂ થવાની નથી જ્યારે, ટેનિસ સ્પર્ધા સાથેની ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧ સુધી મુલતવી રખાઈ છે.