લંડનઃ બેટ્સમેનોના ઝડપી રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગની મદદથી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ લોર્ડસમાં રમાયેલી બીજી એશિઝ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને ૪૦૫ રને કારમો પરાજય આપ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણી ૧-૧થી સરભર થઈ છે.
ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ બે વિકેટે ૨૫૪ રન કરી ડિકલેર કર્યો હતો. આ ઉપરાંત પ્રથમ દાવની ૨૫૪ રનની લીડ હતી. આમ ઇંગ્લેન્ડને મેચ જીતવા ૫૦૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે હાંસલ થઇ શકે તેવા લક્ષ્ય સામે ઇંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે ફક્ત ૧૦૩ રનમાં આઉટ થઈ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા માટે જ્હોન્સને ત્રણ વિકેટ ખેરવી હતી. અગાઉ વોર્નરના ૮૩, સ્મિથના ૫૮ તથા રોજર્સના ૪૯ રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૨૫૪ રન કર્યા હતા.
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ ગુમાવી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં શાનદાર દેખાવ કરતાં આઠ વિકેટે ૫૬૬ રનનો જુમલો નોંધાવ્યો હતો. જવાબમાં યજમાન ટીમ ૩૧૨ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ પછી ઓસ્ટ્રેલિયા પાસે ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો ચાન્સ હતો, પણ તેણે બેટિંગ પસંદ કર્યું હતું. તેણે બીજી ઇનિંગમાં બે વિકેટે ૨૫૪ કરીને દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેન પાસે વિજયી લક્ષ્યાંક હાંસલ કરવા સમય હતો, પણ તેના બેટ્સમેન પીચ પર ટકી જ શક્યા નહોતા.