એડિલેડઃ ઝાય રિચાર્ડસને ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ઓવલમાં રમાયેલી બીજી ડે-નાઈટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૨૭૫ રનના જંગી માર્જિનથી હરાવીને પાંચ ટેસ્ટ એશિઝ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ડે-નાઈટ ટેસ્ટમાં વિજય મેળવવાનો પોતાનો રેકોર્ડ અકબંધ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વિજય માટે આપેલા ૪૬૮ રનના જંગી ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૧૯૨ રનના સ્કોરે સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેન ટેસ્ટમાં નવ વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ ચાલુ વર્ષે ૧૧મી વખત ૨૦૦ કરતાં ઓછાં સ્કોરમાં ઓલઆઉટ થયું છે. લાબુશેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
એડિલેડ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ વિજય માટે છ વિકેટની જરૂર હતી. ઓલી પોપ અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (૧૨) મોટી ઇનિંગ રમશે તેવી ઇંગ્લેન્ડની આશા હતી, જોકે તે ઠગારી નીવડી હતી.
વિકેટકીપર જોસ બટલર અને ક્રિસ વોકિસે કેટલાક સમય સુધી ઓસ્ટ્રેલિયન બોલર્સને સફળતાથી દૂર રાખીને ૬૧ રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ કુલ ૧૯૦ બોલનો સામનો કર્યો હતો. આ સમયે ઓસ્ટ્રેલિયન ટીમ દબાણમાં આવી હતી, પરંતુ રિચાર્ડસને આ ભાગીદારીને તોડી હતી.
ઓલી પોપે ૨૦૭ બોલનો સામનો કરીને ૨૬ તથા વોકિસે ૯૭ બોલમાં ૪૪ રનનું યોગદાન આપ્યું હતું. એક છેડો સાચવીને રમી રહેલો બટલર હિટવિકેટ આઉટ થયો હતો. આ પછી ઈંગ્લેન્ડની એક પછી એક વિકેટ પડવા લાગી હતી.
રિચાર્ડસને એન્ડર્સનને બે રને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાના વિજયની ઔપચારિકતા પૂરી કરી હતી. રિચાર્ડસને ૪૨ રનમાં સર્વાધિક પાંચ વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્ક અને ઓફ સ્પિનર નાથાન લાયને બે-બે વિકેટ ખેરવી હતી.
ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા સંયુક્ત રીતે પ્રથમ સ્થાને
એશિઝ શ્રેણીમાં સતત બીજા વિજયની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમે બે વિજય, ૨૪ પોઈન્ટ અને ૧૦૦ ટકા વિજયના રેકોર્ડ સાથે નંબર વનના સ્થાને પહોંચવામાં સફળતા મેળવી છે. શ્રીલંકાએ પણ વિન્ડીઝ સાથે બે ટેસ્ટ મેચ રમી હતી અને બંનેમાં વિજય હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા જો વધુ એક ટેસ્ટ જીતશે તો તે શ્રીલંકાને પાછળ રાખીને નંબર વન બની જશે. ભારતીય ટીમ તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ શ્રેણી જીતી હોવા છતાં તે ચોથા ક્રમે પહોંચી ગઈ છે.
બાકી ટેસ્ટ માટે ઓસીઝ ટીમ યથાવત્
ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિશન્સ અને પેસ બોલર જોશ હેઝલવૂડ ઇંગ્લેન્ડ સામેની વર્તમાન એશીઝ ક્રિકેટ શ્રેણીની ૨૬મી ડિસેમ્બરથી રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એશિઝની બાકીની ટેસ્ટ માટે ૧૫ સભ્યની ટીમમાં કોઈ ફેરફાર કર્યા વિના તેને યથાવત્ રાખી છે. કોવિડ પોઝિટિવ વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા બાદ કમિન્સને બીજી ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ગાબા ખાતે રમાયેલી એશિઝની પ્રથમ ટેસ્ટમાં હેઝલવૂડને સ્નાયુ ખેંચાઈ જવાની ઈજા થઈ હતી.
ઝાય રિચાર્ડ્સનને એડિલેડ ખાતે રમાયેલી બીજી ડેનાઈટ ટેસ્ટમાં હેઝલવૂડના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. માઇકલ નાસેરને પણ છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરાયો હતો. કંગાળ ફોર્મમાં રહેલો માર્કસ હેલિક બાકીની ત્રણ ટેસ્ટની ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. તેના સ્થાને અનુભવી બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને રમાડવામાં આવી શકે છે. શ્રેણીની ચોથી ટેસ્ટ સિડની ખાતે પાંચમી જાન્યુઆરીથી તથા પાંચમી ટેસ્ટ (ડેનાઈટ) ૧૪મી જાન્યુઆરીથી હોબાર્ટ ખાતે રમાશે.