નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ યુવા ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે લગાવ વધારવા માટે ટેસ્ટ ફીમાં વધારો કર્યો છે. બોર્ડે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના (ટેસ્ટ ઇન્સેન્ટિવ સ્કીમ) શરૂ કરી છે જેમાં પ્રત્યેક સિઝનમાં સાત કરતાં વધારે ટેસ્ટ રમનાર પ્લેયર્સને 45 લાખ રૂપિયા સુધીની મેચ ફી આપવામાં આવશે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટર્સને એક ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. આમ જે ક્રિકેટર્સ માત્ર ટેસ્ટ રમે છે તેમને મોટો ફાયદો થશે. બોર્ડને પણ આશા છે કે યુવા ક્રિકેટર્સ ટેસ્ટ ક્રિકેટ રમવા પ્રત્યે આકર્ષિત થશે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના શરૂ કરવાની જાહેરાત કરવાનો આનંદ છે. અમારો હેતુ સન્માનિત એથ્લીટ્સને નાણાકીય વિકાસ તથા સ્થિરતા આપવાનો છે. આ યોજનાની શરૂઆત 2022-23ની સિઝનથી શરૂ થશે અને ખેલાડીઓને તેમની મેચ ફીના લાખ રૂપિયા ઉપરાંત વધારાના ઈનામ તરીકે આ રકમ અપાશે.