મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની રવિવારે યોજાયેલી વિશેષ સામાન્ય બેઠકમાં અનુરાગ ઠાકરને સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવનિયુક્ત પ્રમુખનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનો રહેશે. ૪૧ વર્ષીય અનુરાગ ક્રિકેટ બોર્ડના ૩૪મા અને બીજા નંબરના સૌથી નાની વયના પ્રમુખ બન્યા છે. આ અગાઉ ૧૯૬૩માં વડોદરાના ફતેહસિંહરાવ ગાયકવાડે માત્ર ૩૩ વર્ષની વયે બોર્ડનું પ્રમુખપદ સંભાળ્યું હતું. બોર્ડના પ્રમુખપદેથી શશાંક મનોહરે રાજીનામું આપ્યા બાદ અનુરાગ ઠાકુર નવા પ્રમુખ બનશે તેવી અટકળો થઈ રહી હતી, જે આખરે સાચી ઠરી છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શિર્કેની સેક્રેટરી તરીકે વરણી કરાઇ છે. પ્રમુખપદની સ્પર્ધામાં શિર્કે પણ હતા. અનુરાગ ઠાકુર અખિલ ભારતીય ભાજપ યુવા મોરચાના પ્રમુખ હોવા ઉપરાંત સંસદ સભ્ય પણ છે.
પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ઠાકુરે કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ પ્રત્યેક ફોર્મેટમાં નંબર વન બને તેવા પ્રયાસ કરવામાં આવશે. ટીમ માટે નવા કોચની પણ અરજીઓ મંગાવવામાં આવશે અને તેની સમયમર્યાદા ૧૦મી જૂન સુધીની છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વિમેન્સ ક્રિકેટરોની મેચ ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને તેમને પણ વાર્ષિક કોન્ટ્રાક્ટ મળે તેવી યોજના ઘડવામાં આવશે. બીસીસીઆઇ વિમેન્સ બિગ બેશ લીગ, વિમેન્સ ક્રિકેટ સુપર લીગ અને વિમેન્સ આઇપીએલ જેવી ટૂર્નામેન્ટ માટે બોર્ડની વિમેન્સ વિંગ સાથે વાટાઘાટો પણ કરશે.
ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે સિનિયર્સને આરામ આપવાનો વિકલ્પ અપાશે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે તેઓ લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા છે. ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ત્રણ વન-ડે તથા બે ટ્વેન્ટી૨૦ મેચો છે, જેમાં નવોદિત ખેલાડીઓને પણ પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક મળશે. નોંધનીય છે કે ભારતીટ ટીમ પહેલી વખત કોચ વિના ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડશે.