બુમરાહ-અશ્વિન સામે ઇંગ્લેન્ડ ધરાશયીઃ ભારતનો બીજી ટેસ્ટમાં શાનદાર વિજય

Wednesday 07th February 2024 05:59 EST
 
 

વિશાખાપટ્ટનમઃ બુમરાહ અને અશ્વિનના પેસ અને સ્પિન સામે ઝૂકી પડતા ભારતે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 106 રનથી પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબર કરી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 399નો રેકોર્ડ ચેઝ આપ્યો હતો. ત્રીજા દિવસના 1 વિકેટે 67 રનની આગળ રમતા ઇંગ્લેન્ડ સોમવારે તેની આક્રમક શૈલી જ જારી રાખીને રમ્યું હતું અને તેઓ 292 રનમાં ઓલ આઉટ થયા હતા.
ઇંગ્લેન્ડનો સ્કોર લંચ સમયે જ 6 વિકેટે 194 થઈ ગયો હોઈ તેઓનો પરાજય નિશ્ચિત બની ગયો હતો. અશ્વિને પ્રથમ ટેસ્ટના હીરો ઓલી પોપને (23) અને જો રૂટ (16)ને આઉટ કર્યા હતા. ત્રીજા દિવસે તેણે ડુક્કેટને આઉટ કર્યો હોઈ તેની વિકેટનો આંક 499 પહોંચ્યો હતો. બેરસ્ટોને બુમરાહે લેગબીફોર કરતા 194 રને જ પાંચમી અને છઠ્ઠી વિકેટ પડી હતી.
જોકે ભારતને જીતની બાજી હાથમાં હોવાનું કેપ્ટન બેન સ્ટોક્સ શ્રેયસ ઐયરના થ્રોથી રનઆઉટ થયો ત્યારે જ સમજાઇ ગયું હતું. સ્ટોક્સ એકલે હાથે જીતાડી શકવા સક્ષમ બેટ્સમેન છે. સ્ટોક્સ 29બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો.
બુમરાહનો પ્રભાવ
અશ્વિન પછી બુમરાહે ઇંગ્લેન્ડની લડત પર પૂર્ણ વિરામ લાવતી વેધક બોલિંગ નાંખી હતી. ફોક્સ (36), હાર્ટલી (36)એ આઠમી વિકેટની ભાગીદારીમાં 55 રન ઉમેર્યા હતા ત્યારે ફોકસને બુમરાહે કોટ એન્ડ બોલ્ડ કરતા ભારત એકાદ કલાકના તનાવ બાદ મુક્ત થયું હતું.
ભારતના વિજયના શિલ્પી
બીજી ટેસ્ટમાં ભારતના વિજય માટે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ બુમરાહને ટેસ્ટમાં તેની 9 વિકેટ લેતી બોલિંગ બદલ અપાયો છે. જોકે બુમરાહ ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલ પણ ભારતના વિજયના શિલ્પી કહી શકાય. ભારતે પ્રથમ ઈનિંગમાં 396 રનનો સ્કોર કર્યો તેમાંથી ઓપનર જયસ્વાલના 209 રનનું યોગદાન હતું. તેની ઈનિંગની મહત્તા એ રીતે સમજી શકાય કે ભારત તરફથી તેના પછીનો હાઈએસ્ટ સ્કોરર ગીલ (34) હતો. જયસ્વાલ છેક આઠમા ક્રમે આઉટ થયો હતો અને તેણે સામેના ખેલાડીના નજીવા યોગદાન સાથેની ભાગીદારીઓ જોડતા ભારતને આ મુકામ આપ્યો હતો.
બુમરાહ સ્ટાર્કથી આગળ નીકળ્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝમાં હજુ સુધી ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટનું બેટ શાંત જ રહ્યું છે. પહેલી મેચમાં પણ રૂટ સસ્તામાં આઉટ થયો હતો તો બીજી મેચની પહેલી ઇનિંગમાં રૂટને જસપ્રીત બુમરાહે પિચ પર જામવાની તક આપી નહોતી. રૂટ ખૂબ જ ખતરનાક બેટ્સમેન મનાય છે અને એક વાર તે પિચ પર ટકી જાય તે બાદ તે ભારત માટે મુશ્કેલી પેદા કરી શકતો હતો પરંતુ રૂટની વિકેટ ઝડપીને બુમરાહે ટીમને રાહત આપવાની સાથે જ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રૂટે પહેલી ઇનિંગમાં 10 બોલમાં પાંચ રન બનાવ્યા હતા અને બુમરાહે તેને શુભમન ગિલના હાથમાં ઝિલાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12મી વાર બુમરાહે રૂટને આઉટ કર્યો હતો અને તેમે મિચેલ સ્ટાર્કને પાછળ રાખ્યો હતો.સ્ટાર્કે હજુ સુધીમાં 11 વાર રૂટને આઉટ કર્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રૂટને સૌથી વધારે વાર પેટ કમિન્સે આઉટ કર્યો છે. તેણે 14 વાર રૂટની વિકેટ લીધી છે. આ મામલે બીજા નંબરે હેઝલવૂડ છે જેણે 13 વાર રૂટને આઉટ કર્યો છે. બુમરાહ હવે ટ્રેન્ટ બોલ્ટ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter