લંડનઃ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ શરૂ થઇ ગઇ છે, પણ બીજી ટેસ્ટ સાથે સંકળાયેલા વિવાદ શમતા નથી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારતના પૂંછડીયા બેટ્સમેનોની સામે તેમની ટીમે અપનાવેલી બાઉન્સરનો મારો ચલાવવાના વ્યૂહની ઝાટકણી કાઢી છે. તેણે સવાલ કર્યો હતો કે આવું કઇ ટીમ કરતી હોય છે? જે સમયે ઈંગ્લેન્ડના બોલરો ભારતના બેટ્સમેન શમી અને બુમરાહની સામે એક પછી એક બાઉન્સર નાંખી રહ્યા હતા, ત્યારે જ કોચ સિલ્વર વૂડે મેદાન પર કોઈની સાથે પાણી મોકલાવીને રુટને પૂછવું જોઈતું હતું કે, આ બધું શું ચાલી રહ્યું છે? લોર્ડ્ઝ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે લંચ પહેલા બોલરોએ શમી-બુમરાહ જેવા પૂંછડિયા બેટ્સમેન સામે બાઉન્સરો ફેંક્યા હતા. જોકે, બંને બેટ્સમેને ૮૯ રનની મક્કમ ભાગીદારી નોંધાવતા ઈંગ્લેન્ડને ૨૭૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે તેઓ ૧૨૦માં ખખડી ગયા હતા. વોને કહ્યું કે, બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે લંચ પહેલા ૨૦ મિનિટમાં જે જોયું તે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈંગ્લેન્ડ ટીમની સૌથી નિરાશાજનક વર્તણૂક સમાન હતું. આવા સમયે કેપ્ટને અને કોચે તરત બોલરોને અટકાવવા જોઈએ.