દુબઇઃ ભારતીય ટીમે એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. પાક. ટીમ 19.5 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઈ હતી. ભુવનેશ્વર કુમારે મેચમાં 26 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ ભારતીય દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન છે. રન ચેઝ કરતા ભારતે 89 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ બે ગુજરાતી ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા વચ્ચે પાંચમી વિકેટ માટે 52 રનની ભાગીદારી નોંધાઈ અને તેને કારણે ભારતીય ટીમ જીત સુધી પહોંચી હતી. હાર્દિકે વિજયી છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી. હાર્દિકે મેચમાં 3 વિકેટ પણ ઝડપી હતી.
આ પહેલા ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાની ઓફર આપી હતી. પાકિસ્તાન ભારત સમક્ષ જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડયાએ ઉત્તમ દેખાવ કર્યો હતો. હાર્દિકે 15મી અને 19મી ઓવરમાં પાકિસ્તાનની 2-2 વિકેટ ખેરવી હતી. આ વિકેટોને પગલે પાકિસ્તાન મોટો સ્કોર કરી શક્યું નહીં. 19.5 ઓવરમાં 147 રને પાકિસ્તાનની બેટિંગ પૂરી થઈ હતી. પાકિસ્તાનના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ભુવનેશ્વર કુમારની ત્રીજી ઓવરમાં જ માત્ર 10 રને આઉટ થયો હતો. નિયમિત અંતરે પાકિસ્તાનની વિકેટો પડતી રહી હતી.
ટીમ ઇન્ડિયાની જીત માટે હાર્દિક પંડ્યા સૌથી મોટો હીરો સાબિત થયા હતા. હાર્દિક બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ખેરવી હતી જ્યારે બેટિંગમાં પણ તેણે અણનમ 33 રનની ઇનિંગ રમવાની સાથે વિનિંગ શોટ લગાવ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની વિકટો ટૂંકા ગાળાના અંતરમાં પડી ગયા બાદ રવિન્દ્ર જાડેજાનો સાથ લઇને હાર્દિક પંડ્યાએ ભારતીય ઇનિંગને સ્થિરતા આપી હતી અને વધુ વિકેટ ન પડે તે રીતે ઇનિંગને આગળ લંબાવી ભારતને શાનદાર જીત અપાવી હતી.
પાકિસ્તાન વતી મેચમાં પદાર્પણ કરનારા ઝડપી બોલર નસીમ શાહે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતાં ચાર ઓવરમાં 4 વિકેટ ઝડપીને પાકિસ્તાની બેટિંગને કળ વળવા દીધી નહોતી. ભારતીય બોલર્સે ચુસ્ત લાઇન લેન્થ સાથે બોલિંગ કરીને પાકિસ્તાન બેટિંગને ક્લિક થવા દીધી ન હતી. પાકિસ્તાન વતી મહંમદ રિઝવાન સૌથી વધુ 43 રની ઇનિંગ રમી શક્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ટીમ ઇન્ડિયાને શાનદાર જીતની વધામણી પાઠવી હતી.
ભુવીનો ઘાતક સ્પેલ
પાકિસ્તાન સામે એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆતમાં ત્રણ ખેલાડીઓનું પ્રદર્શન મહત્ત્વું સાબિત થયું હતું. બોલિંગ દરમિયાન ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા એ લય જાળવી રાખતા સમયાંતરે વિકટો પાડીને પાકિસ્તાનને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું. ભુવનેશ્વર દ્વારા ચાર ઓવરમાં 26 રન આપીને ચાર વિકેટ ઝડપવામાં આવી હતી.
હાર્દિક પંડ્યા દ્વારા પાકિસ્તાનના મીડલ ઓર્ડરને ધ્વસ્ત કરતાં ત્રણ વિકેટ ઝડપવામાં આવી હતી. ત્યારબાદ બેટિંગમાં કોહલીએ આક્રમક શરૂઆત કરાવી પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો હતો. ભારતનું પણ મીડલ ઓર્ડર લથડ્યું હતું. હાર્દિક (અણનમ) અને જાડેજાએ અનુક્રમે 33 અને 35 રન નોંધાવીને ભારતને વિજય અપાવ્યો હતો. અંતિમ ઓવરોમાં દબાણ છતાં બંને ખેલાડીઓએ અડધી સદીની મજબૂત ભાગીદારી નોંધાવી હતી.
છેલ્લી ઓવરમાં જોવા મળ્યો રોમાંચ
ટીમ ઇન્ડિયાએ વિજય માટે છેલ્લી ઓવરમાં સાત રનની જરૂર હતી પરંતુ મેચના પહેલા બોલ પર જ રવિન્દ્ર જાડેજા ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. બીજા બોલ પર દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિક પંડ્યાને સ્ટ્રાઈક આપી હતી અને ત્યારબાદ પંડ્યાએ વિજયી સિકસર લગાવીને ભારતને મેચ જીતાડી આપી હતી. તે પહેલાની 18મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ 3 બાઉન્ડ્રી લગાવી હતી.