હરારેઃ બે વખતનું ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ આઇસીસી વન ડે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ખરાખરીની સ્પર્ધામાં જોવા નહીં મળે. છેલ્લા કેટલાક સમયથી વિન્ડિઝના ક્રિકેટનું સ્તર કથળ્યું છે અને આઇસીસી ક્વોલિફાયર્સના સુપર સિક્સમાં સ્કોટલેન્ડ સામેની મેચ હારતાં તેઓનું વર્લ્ડ કપમાં ભાગ લેવાનું સ્વમ રોળાઈ ગયું હતું. ક્રિકેટ જગતમાં એક સમયે ખૌફ ઉભો કરનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ શરમજનક પર્ફોમન્સ સાથે ઓલટાઈમ લો-લેવલ પર ધકેલાયું છે. નોંધપાત્ર છે કે, ગત વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પણ તેઓ ખરાખરીની સુપર-12 સ્પર્ધામાં ક્વોલિફાય થઈ શક્યા નહતા. સ્કોટલેન્ડ સામે નાલેશીભરી હાર વિન્ડિઝે વર્લ્ડકપમાં ક્વોલિફાય થવા માટે સુપર સિક્સમાં તમામ મેચ જીતવા સાથે અન્ય મેચના પરિણામ તેમની તરફેણમાં આવે તેવી આશા રાખવાની હતી. જોકે, તેઓ સુપર સિક્સની પહેલી જ મેચમાં સ્કોટલેન્ડ સામે 6.3 ઓવર બાકી હતી ત્યારે 7 વિકેટથી હારી ગયા હતા.