બેંગ્લૂરુઃ ટીમ ઇંડિયાએ ઘરઆંગણે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને ૭૫ રને હરાવી રોમાંચક જીત મેળવી છે. આ સાથે ભારતે પહેલી ટેસ્ટમાં શરમજનક પરાજયનો જડબાતોડ જવાબ આપવા ઉપરાંત શ્રેણીને ૧-૧થી સરભર પણ કરી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ ખૂબ જ રોમાંચક મેચમાં ભારતના વિજયનો પાયો ચેતેશ્વર પૂજારાએ નાખ્યો હતો તો અશ્વિન છ વિકેટ ઝડપી ટીમને વિજયપંથે દોરી ગયો હતો. પૂજારાએ કટોકટીભર્યા સમયે વિકેટ પર એક છેડો સાચવીને ૯૨ રન કર્યા હતા.
પહેલી ઇનિંગમાં ૨૭૪ રન કરનાર ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં વિજય માટે માત્ર ૧૮૮ રન કરવાના હતા, પરંતુ તેનો દાવ માત્ર ૧૧૨ રનમાં જ સમેટાઇ ગયો હતો. ભારતે પહેલી ઇનિંગમાં ૧૮૯ રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં ૨૭૬ રન કર્યા હતા.
અશ્વિનનું યોગદાન
બીજી ટેસ્ટમાં અશ્વિનની બોલિંગે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એક તબક્કે ઓસ્ટ્રેલિયાનો વિજય લગભગ નક્કી મનાતો હતો, પરંતુ અશ્વિને માત્ર ૪૧ રનમાં ૬ વિકેટ ઝડપીને મેચનું પાસું પલ્ટી નાંખ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો મેટ રેન શોના રૂપમાં લાગ્યો હતો. રેન શોએ પાંચ રનના વ્યક્તિગત સ્કોરે ઇશાંત શર્માની ઓવરમાં સહાને કેચ આપ્યો હતો. આ પછી વોર્નર ૧૭ રને અશ્વિનની ઓવરમાં એલબીડબલ્યુ થયો. સ્ટીવ સ્મિથ પણ ૨૮ રનમાં પેવેલિયન ભેગો થયો હતો.
બીજી ટેસ્ટ મેચના પહેલા બે દિવસ તો ઓસ્ટ્રેલિયન ટીમે રમત પર કબ્જો જમાવ્યો હતો, પરંતુ બીજી ઇનિંગમાં બેટ્સમેનોની જવાબદારીપૂર્ણ બેટિંગે ટીમ ઇંડિયાની સ્થિતિ મજબૂત બનાવી હતી. અલબત્ત, ચોથા દિવસે ઝડપી બોલર જોશ હેઝલવૂડ અને મિશેલ સ્ટાર્ક સામે ભારતીય બેટ્સમેનો ઝીંક ઝીલી શક્યા નહોતા. હેઝલવૂડે ૬૭ રન આપી છ વિકેટ ઝડપી હતી તો સ્ટાર્ક અને કિફે બે-બે વિકેટ લીધી હતી.
સ્ટાર્ક ભારતીય બેટ્સમેનો પર ભારે પડ્યો હતો. તેણે ભારતને બે બોલમાં બે ઝટકા આપ્યા હતા. પહેલા બોલમાં બાવન રન સામે અજિંક્ય રહાણેને અને બીજા બોલમાં કરુણ નાયરને શૂન્ય રનમાં પેવેલિયન ભેગો કરી દીધો હતો. આ ઉપરાંત ચેતેશ્વર પૂજારા પણ તે પછીની ઓવરમાં હેઝલવૂડની ઓવરમાં ૯૨ રને મિશેલ માર્શને કેચ આપી બેઠો હતો.
એક તબક્કે ટીમ ઇંડિયાનો પરાજય નિશ્ચિત જણાતો હતો અને બીજી ટેસ્ટમાં હાર સાથે તે શ્રેણી પણ ગુમાવશે એમ મનાતું હતું. જોકે અશ્વિનની બોલિંગે મેચનું પાસું પલ્ટી નાખ્યું હતું. ક્રિકેટચાહકો માટે આ મેચ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે તેમાં બેમત નથી. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ વિજયને ખૂબ જ યાદગાર ક્ષણ અને સૌથી ભવ્ય વિજય ગણાવ્યો હતો.
સૌરાષ્ટ્રના સ્ટાર ચમક્યા
કોઇ સારી સસ્પેન્સ કે થ્રિલર ફિલ્મમાં સતત નવા વળાંક જોવા મળતા હોય છે. બીજી ટેસ્ટ મેચ પણ આવી દિલધડક હતી. ટેસ્ટમાં ભારત-ઓસ્ટ્રેલિયા ઉપરાંત ત્રીજું પાત્ર પીચનું હતું.
રવિન્દ્ર જાડેજાના છ વિકેટ સાથે તરખાટ મચાવ્યા બાદ ચેતેશ્વર પૂજારાના અડિખમ ૯૨ રન કરતાં ભારતે મેચ પર વર્ચસ જમાવ્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં ભારતના ૧૮૯ સામે ઓસ્ટ્રેલિયા ૨૭૬માં આઉટ થયું હતું.
લાયનના મેજિકલ ફિગર્સ
ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઓ'કિફે કમાલ દેખાડી હતી, જ્યારે બેંગ્લૂરુમાં નેથન લાયને અસરકારક સ્પિન બોલિંગને સહારે ૨૨.૨-૪-૫૦-૮ની મેજિકલ ફિગર્સ મેળવી હતી. ભારતીય બેટ્સમેનોએ પૂણે ટેસ્ટ કરતાં દેખાવ સુધાર્યો હતો, પણ ધબડકો જારી રહ્યો હતો. લાયને આ સાથે ભારતમાં પ્રવાસી ટીમના કોઈ પણ બોલરે કરેલા શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ભારતની સામે દેશ કે વિદેશમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા બોલરોની યાદીમાં લાયનને ચોથો ક્રમ મળ્યો હતો. જ્યારે તે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારો છઠ્ઠો બોલર બન્યો હતો. ભારતે બેંગ્લૂરુમાં સારી શરૂઆત કરી હતી, પણ ટીમ ઈન્ડિયા તેને જાળવી શકી નહતી. એક તબક્કે ૧૫૬/૪નો સ્કોર ધરાવતા ભારતે વધુ ૩૩ રન ઉમેરીને બાકીની છ વિકેટ ગુમાવી હતી. ભારતની ઈનિંગ ૭૧.૨ ઓવરમાં ૧૮૯ રનમાં સમેટાઈ હતી.
લોકેશના ૯૦, અન્યોના ૯૯
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટમાં કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી ત્યારે બધાને આશા હતી કે, ભારત જંગી સ્કોર ખડકશે. જોકે આ આશા ઠગારી નીવડી હતી. સ્પિનરો સામે ઓપનર લોકેશ રાહુલે લડાયક દેખાવ કરતાં ૯૦ રનની ક્લાસિક ઈનિંગ રમી હતી. જોકે સામેના છેડેથી એક પછી એક બેટ્સમેનો પેવેલિયનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે લોકેશે ૨૦૫ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૯૦ રન ફટકાર્યા હતા. આ દરમિયાન કેચ પડતા મૂકાતા તેને બે વખત જીવતદાન મળ્યું હતું. ભારતીય ઈનિંગમાં લોકેશ સિવાયના ૧૦ બેટ્સમેનોએ ભેગા મળીને ૯૯ રન જ કર્યા હતા. ભારતના ૧૦ બેટ્સમેનોના કુલ રન તો ૮૩ થાય છે, પણ તેમાં ‘મિસ્ટર એકસ્ટ્રા’ના ૧૬ રન ઉમેરતાં સ્કોર ૯૯ થાય છે.
૪૦ વર્ષ બાદ...
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો નાલેશીભર્યો ધબડકો પૂણે બાદ બેંગ્લૂરુમાં પણ જોવા મળ્યો હતો. ભારત સળંગ ત્રીજી ઈનિંગમાં ૨૦૦ના સ્કોર સુધી પણ પહોંચી શક્યું નહોતું. પૂણેમાં ભારત અનુક્રમે ૧૦૫ અને ૧૦૭માં ઓલઆઉટ થયું હતું. આ પછી બેંગ્લૂરુમાં ભારતની પ્રથમ ઈનિંગ માત્ર ૧૮૯ રનમાં સમેટાઈ હતી. આ સાથે ભારત ઓસ્ટ્રેલિયા સામે સળંગ ત્રીજી ઈનિંગમાં ૨૦૦ના સ્કોરને આંબી શક્યું નહોતું. ભારતની ઘરઆંગણે આવી અવદશા ૪૦ વર્ષ બાદ થઈ હતી. છેલ્લે ૧૯૭૭માં ભારતે ઘરઆંગણે સળંગ ત્રણ ઈનિંગમાં ૨૦૦થી ઓછો સ્કોર કર્યો હતો.