વિશાખાપટ્ટનમઃ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જ્યોર્જ બેઇલીને આઇપીએલમાં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયેલી મેચમાં બેટિંગ કરતી વખતે પોતાના જ દેશના નથાન કાઉલ્ટર નાઇલનો એક બાઉન્સર માથામાં વાગ્યો હતો. તે બાઉન્સરને રમવામાં થાપ ખાઈ જતાં બોલ તેની હેલ્મેટને અથડાયો હતો. બોલની ઝડપ એટલી બધી હતી કે બેઇલીએ પહેરેલું હેલ્મેટ પણ તેના માથામાંથી બહાર નીકળીને નીચે પડી ગયું હતું. ૧૮ મેના રોજ રમાયેલી મેચ દરમિયાન બનેલી આ ઘટના બાદ જોકે બેઇલીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે તેણે હેલ્મેટ પહેરી હતી.
મેચ બાદ બેઇલીએ જણાવ્યું હતું કે જે લોકો ટીવી પર આ દૃશ્ય જોઈ રહ્યા હતા તેમને મારા કરતાં વધારે યોગ્ય તસવીર જોવા મળી છે કારણ કે મને ફક્ત એટલું જ યાદ છે કે એમ લાગી રહ્યું હતું કે કોઈ ટ્રક મારા ચહેરા સાથે અથડાઈ છે. બોલ ઘણો જ ઝડપી હતો. મને એ વાતનો આનંદ છે કે મેં નવું હેલ્મેટ પહેર્યું હતું.