ચેન્નાઇઃ સાઉથ આફ્રિકાના બેટ્સમેન કેશવ મહારાજે વર્લ્ડ કપમાં ગત મેચમાં પાકિસ્તાન સામે અડીખમ રહીને છેલ્લી વિકેટ માટે તબરેઝ શમ્સી સાથે 11 રનની નાની પરંતુ વિજયી ભાગીદારી નોંધાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. મૂળ ભારતીય એવા કેશવ મહારાજ આજકાલ તેના બેટને લઈને પણ ચર્ચામાં છે. મહારાજના બેટ પર હિન્દુ ધર્મના પ્રતિક એવા ‘ૐ’નું ચિહ્ન જોવા મળે છે. કેશવ મહારાજનો બેટ પર ‘ૐ’નું સ્ટિકર લગાવીને બેટિંગ કરતા ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. સાઉથ આફ્રિકાના ડાબોડી સ્પિનરના મૂળ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં છે. કેશવ મહારાજના પિતાના પૂર્વજો સુલ્તાનપુરના હતા. 1874માં સારી નોકરી મેળવવાના ઈરાદે તેઓ ભારતથી ડરબન સ્થાયી થયા હતા. મહારાજની પત્ની લેરિશા પણ ભારતીય મૂળની છે અને તે આજે પણ હિન્દુ તહેવારો ઉજવે છે. કેશવ મહારાજના બેટ પર બંને તરફ ‘ૐ’નું સ્ટિકર જોવા મળે છે. આ ઉપરાંત કેશવ બેટિંગ કરવા ઉતરે છે ત્યારે પણ તે મેદાનમાં બાઉન્ડ્રી પર મેદાનને નમન કરીને રમવા ઉતરે છે.