જોકે આ બધી ચર્ચા વચ્ચે ઇંગ્લેન્ડની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે હેલ્મેટ અંગેની ચર્ચા બેકાર છે. તેણે કહ્યું હતું કે હ્યુજીસના મૃત્યુએ ક્રિકેટમાં નવા પ્રકારનો ભય પેદા કરી દીધો છે. હવે જ્યારે બેટ્સમેન મેદાન પર હશે તો તેને એવું લાગશે કે તે એવી જગ્યા પર છે જ્યાં ક્યારેય પણ ગંભીર ઇજા થઇ શકે છે. જો પિચનો બાઉન્સ અનિયમિત હોય તો ઝડપથી આવતો બોલ માથું ફાડી નાખે તેવું પણ બની શકે છે.
વોને કહ્યું હતું કે બાઉન્સરથી ઇજા અંગે બે સવાલ વધારે ઉઠાવાય છે. હેલ્મેટની ક્વોલિટી અને ખેલાડીની બાઉન્સર રમવાની દક્ષતા, પરંતુ આ ચર્ચા બેકાર છે. હ્યુજીસને થયેલી ઇજાની પાછળ સુરક્ષાત્મક ઉપકરણ, ટેક્નિકલ અથવા અન્ય ખામી જેવું કોઇ કારણ શોધવાનું બેકાર છે. જ્યારે ખેલાડી ચાર-છ કલાક સતત રમે છે ત્યારે એકાદ બોલ જજ કરવામાં ભૂલ થઇ શકે છે. કેટલી વખત બેટ્સમેન ભૂલ કરતો હશે? કદાચ લાખો વખત.