લંડનઃ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) ટેસ્ટ ટીમના સુકાનીપદે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું નામ નક્કી કર્યું હોવાના અહેવાલ છે. તાજેતરમાં જોઇ રુટે ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દીધા બાદ સ્ટોક્સને સુકાની બનાવાશે તેવી અટકળોએ વેગ પકડયો હતો. ઇસીબીના નવા ક્રિકેટ ડાયરેક્ટર રોબ સાથેની બેઠક બાદ સ્ટોક્સે સહમતી પણ વ્યક્ત કરી દીધી છે. આ બેઠકમાં સ્ટોક્સે કેટલીક માગણીઓ પણ રજૂ કરી હતી જેમાં સિનિયર પેસ બોલર જેમ્સ એન્ડરસન તથા સ્ટુઅર્ટ બ્રોડને પાછા લાવવાની બાબત પણ હતી. બન્ને બોલરને એશિઝમાં રમવાની ઓછી તક મળી હતી અને વિન્ડીઝના પ્રવાસમાંથી બન્નેની બાદબાકી કરાઇ હતી.
સ્ટોક્સની વરણી ઉપરાંત 2011ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટનની ઇંગ્લેન્ડના મુખ્ય કોચ તરીકેની નિમણૂક થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સાયમન કેટિચને ઇંગ્લેન્ડની વન-ડે ટીમનો કોચ બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે.
ગેરી કર્સ્ટન હાલમાં આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમમાં બેટિંગ કોચ અને મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. ક્રિસ સિલ્વરવૂડે કોચપદેથી રાજીનામું આપ્યા બાદ વિન્ડીઝ પ્રવાસ માટે પોલ કોલિંગવૂડની ઇન્ટ્રિમ કોચ તરીકે વરણી કરવામાં આવી હતી પરંતુ તેને પૂર્ણ સમયનો કોચ બનાવાશે નહીં.