લંડનઃ ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ જો આગામી છ મહિનામાં ક્યારેય ડ્રાઇવિંગ કરતો જોવા મળશે તો તેને જેલભેગો કરી દેવામાં આવશે. એક લોકલ કોર્ટે તેને બે વર્ષમાં સતત ચાર વખત ઝડપી કાર દોડાવવા બદલ ચેતવણી ફટકાર્યા બાદ આ ચેતવણી ઉચ્ચારી છે. સ્ટોક્સ શ્રી લંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયા બાદ હાલ સારવાર હેઠળ છે. આથી તે કેટલોક સમય બહાર ફરવામાં ગાળી રહ્યો છે. સ્ટોક્સે કોર્ટમાં દલીલ કરી હતી કે તે સવારના સમયમાં કલાકે ૭૫ માઇલની સ્પીડે કાર દોડાવી રહ્યો હતો. ઓગસ્ટમાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે ૬૧ માઈલની સ્પીડે કાર દોડાવી હતી. કોર્ટે તેને ચાર વખત ઓવર સ્પીડીંગના કેસની યાદ આપીને છ મહિના સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સ્ટોક્સને અગાઉના ચારેય કેસમાં દંડ વસૂલ કરીને જવા દેવાયો હતો.