લંડનઃ ભારતનો ટોચનો મિડલવેઈટ બોક્સર વિજેન્દર સિંહ હવે એમેચ્યોર મટીને પ્રોફેશનલ બોક્સર બન્યો છે. ઈંગ્લેન્ડની કવિન્સબરી કલબે તેને કરારબદ્ધ કર્યો છે. સોમવારે વિજેન્દર અને કલબના અધિકારીઓએ મીડિયા કોન્ફરન્સ યોજીને આ જાહેરાત કરી હતી.
વિજેન્દરે પ્રોફેશનલ બોક્સર તરીકે રીંગમાં ઉતરવાનું નક્કી કરતાં હવે તે ભારત તરફથી કોઈ પણ ઈવેન્ટમાં ભાગ લઇ શકશે નહીં. વર્ષ ૨૦૦૮માં બેઈજીંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર વિજેન્દર આ સાથે ૨૦૧૬માં રિઓમાં રમાનારી ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં.
ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના તરફથી મેડલની આશા રાખી શકશે નહીં. અલબત્ત, વ્યક્તિગત રીતે અને ભારતીય બોકસિંગ માટે આ ખૂબ જ સન્માનજનક ઘટના ગણાય કેમ કે પ્રોફેશનલ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે કરારબદ્ધ થવા માટે બહુ ઉચ્ચ સ્તરના કૌશલ્યની જરૂર પડતી હોય છે.
ક્લબ સાથેના કરાર પ્રમાણે વિજેન્દરે પ્રથમ વર્ષમાં છ ફાઈટમાં ઉતરવું પડશે. નોંધનીય છે કે કવીન્સબેરી કલબે વિશ્વમાં ખ્યાતનામ પૂરવાર થઈ ચૂકેલા ૪૦ જેટલા બોક્સરોને ભૂતકાળમાં કરારબદ્ધ કર્યા છે. જેમાં ટાયસન, બ્રુનો, બેન, કોલિન્સ, હામેદ, એલબાન્ક, હાટોન જેવા દિગ્ગજ બોક્સરનો સમાવેશ થાય છે.