ન્યૂ યોર્કઃ બોક્સિંગ લેજન્ડ મોહમ્મદ અલીની અંદાજે રૂ. ૫૬૦ કરોડની સંપત્તિની તેની પત્ની સોની અને ત્રણ ભૂતપૂર્વ પત્નીઓ તેમજ નવ સંતાનો વચ્ચે સુમેળતાથી વહેંચણી થઈ ગઈ છે. મોહમ્મદ અલીની સ્થાવર મિલકતો તેની પત્ની સોનીની પાસે જ રહેશે જ્યારે જંગમ મિલકતના નવ સંતાનો વચ્ચે સરખા ભાગ પાડવામાં આવ્યા છે.
રસપ્રદ બાબત તો એ છે કે અલીને તેની અગાઉની બીજા નંબરની પત્નીથી એકમાત્ર પુત્ર થયેલો છે જ્યારે અન્ય આઠ પુત્રીઓ છે. આમાંથી પણ આ પુત્ર જોડે અલીને છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ સંબંધ નહોતો. ૪૪ વર્ષીય અલી જુનિયર ડ્રગનો વ્યસની અને ગેંગ જોડે સંપર્કમાં હોવાછી અલીએ તેની જોડેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. અલી જુનિયર તેની પત્ની અને બે સંતાનો જોડે સાવ ગરીબ અને ડ્રગ વ્યસનીઓ રહેતા હોય એવી શિકાગોની ચાલીમાં વસવાટ કરતો હતો. તેની કોઈ નિયમિત આવક નહીં હોવાથી તે ઉધારીમાં જ ડ્રગ ખરીદતો હોવાથી તેના માથે મોટું દેવું પણ થઈ ગયું છે.
સાવ મુફલિસ અને અસામાજિક તત્ત્વ એવા અલી જુનિયરે તેના હાથમાં સંપત્તિ આવતા જ તેની પત્ની અને બે બાળકોને લગભગ તરછોડી દીધા છે. તેણે તેની પત્નીને ૭૫ ડોલર આપ્યા જ્યારે બે સંતાનોને નવા જૂતાં ખરીદી આપ્યા અને તેનાથી અલગ થઇ ગયો છે.
અલી જુનિયરે કહ્યું હતું કે, હવે તે નવી જિંદગી શરૂ કરવા માટે કેલિફોર્નિયામાં સ્થાયી થશે. તે લેન્ડસ્કેપિંગ વ્યવસાય કરશે. તે ખરાબ સોબતમાંથી નીકળી જવા માંગે છે, તેના સંતાનોના ઉછેર માટે એક ટ્રસ્ટ સ્થાપવાની પણ તે વાત કરે છે. જોકે અલી જુનિયરનો સ્વભાવ જાણનારા કહે છે કે તે ડ્રગ અને માફિયાની ચુંગાલમાંથી બહાર નહીં નીકળી શકે. હજુ તેણે તેનું દેવું પણ ચૂકવવાનું છે.