ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ મહાન ઓલરાઉન્ડર ઇયાન બોથમે જણાવ્યું હતું કે ક્રિકેટ જગત માટે કાળો તથા દુઃખદ દિવસ છે. હ્યુજીસને મારી શ્રદ્ધાંજલિ અર્પું છું, પરંતુ સાથે સાથે એબોટને પણ હું સાંત્વના આપું છું. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે પણ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ તથા વર્તમાન ક્રિકેટરોને આગ્રહ કરું છું તેઓ એબોટને પણ સમર્થન આપે. એબોટ મજબૂત બનો. ગિલક્રિસ્ટે જણાવ્યું હતું કે હ્યુજીસના નિધનના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ થઇ ગયો હતો. મારી સાંત્વના તેના પરિવાર સાથે છે. ડિન જોન્સે પણ એબોટને શાબ્દિક સમર્થન આપીને જણાવ્યું હતું કે બોલરે મજબૂત બનવું જોઈએ. આ તારી ભૂલ નહોતી. મેકગ્રાએ જણાવ્યું હતું કે કપરાં સમયમાં અમારી સંવેદનાઓ હ્યુજીસના પરિવાર તથા બોલર એબોટ સાથે છે.
બાઉન્સર પર નિયંત્રણ નહીં
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચિફ એક્ઝિક્યુટિવ ડેવિડ રિચર્ડસનના જણાવ્યા પ્રમાણે ‘ફિલિપ હ્યુજીસ સાથે થયેલી દુર્ઘટનાના પગલે બાઉન્સર બોલ પર આઇસીસી દ્વારા કોઈ મોટું પગલું ભરાશે નહીં.’ એક લીગ મેચમાં બાઉન્સર લાગવાથી હ્યુજીસનું મોત થયા બાદ ક્રિકેટ જગતમાં બાઉન્સર પર અંકુશના મુદ્દે વિવિધ પ્રકારની ચર્ચા ચાલવા લાગી હતી. આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં રિચર્ડસને બાઉન્સર સામે કોઈ પણ એક્શન નહીં લેવાય તેવી સ્પષ્ટ જાહેરાત કરી છે.