બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજયઃ ઈંગ્લેન્ડને ૯ વિકેટે હરાવ્યું

Wednesday 15th December 2021 05:33 EST
 
 

બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રમાયેલી એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને યજમાન ટીમ સામે શરમજનક પરાજ્યનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બ્રિટિશ ટીમને નવ વિકેટે કારમો પરાજય આપીને પાંચ મેચની સિરીઝમાં ૧-૦તી સરસાઇ મેળવી છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ખેલાડીઓ કોઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા અને સંપૂર્ણ ટીમ ૨૯૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ પ્રથમ ઇનિંગની લીડના લીધે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે બીજી ઇનિંગમાં માત્ર ૨૦ રન કરવાના હતા. આ લક્ષ્ય તેણે માત્ર એક વિકેટના ભોગે હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં ૪૨૫ રન બનાવ્યા હતા, જેની સામે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં ૧૪૭ રન અને બીજી ઇનિંગમાં ૨૯૭ રન કર્યા હતા.
મિડલ ઓર્ડર બેટ્સમેન નિષ્ફળ
ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રુટ ૮૬ રને અને ડેવિન મલાન ૮૦ રને અણનમ હતા. આમ ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર બે વિકેટના ભોગે ૨૨૦ રન હતો. ચોથા દિવસે આશા હતી કે રુટ અને મલાન મોટી ઇનિંગ રમીને ટીમને મુશ્કેલીમાંથી બહાર લાવી દેશે, પરંતુ એવું થયું નહોતું. રુટ આગલા દિવસના સ્કોરમાં ફક્ત ત્રણ રન ઉમેરીને ૮૯ રન પર આઉટ થયો હતો જ્યારે મલાન ફક્ત બે રન ઉમેરીને ૮૨ રને આઉટ થઈ ગયો હતો. આ પછી બાકીની ટીમ આઠ વિકેટના ભોગે ફક્ત ૭૭ રન ઉમેરી શકી હતી.
લિયોને ચાર વિકેટ ઝડપી
ચોથા દિવસનો હીરો ઓસ્ટ્રેલિયાનો બોલર નાથન લિયોન રહ્યો હતો. તેણે ઇંગ્લેન્ડના ચાર ખેલાડીઓને શિકાર બનાવ્યા હતા. આ ઉપરાંત પેટ કમિન્સે બે અને કેમરુન ગ્રીને બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મિશેલ સ્ટાર્કે એક અને જોસ હેઝલવૂડે એક વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ વિકેટ
એક સમયે પીચ ક્યૂરેટર તરીકે કામ કરતાં નાથન લિયોને શનિવારે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ વિકેટ લેનારા ખેલાડીઓમાં વિશ્વનો ૧૭મો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બની ગયો છે. જો સ્પીનર તરીકે વાત કરવામાં આવે તો તે વિશ્વનો સાતમો સ્પીનર છે કે જેણે ૪૦૦થી વધારે વિકેટ ઝડપી છે. લિયોને ૨૦૧૦માં એડિલેડના ઓવલમાં મેદાનકર્મીના રૂપમાં નોકરીની શરૂઆત કરી હતી અને તેના એક વર્ષ બાદ તેણે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. ૩૪ વર્ષના આ ઓફસ્પીનરે તે પછી પાછું ફરીને જોયું નથી અને અત્યાર સુધીમાં તે ૧૦૧ ટેસ્ટમાં ૪૦૩ વિકેટ ઝડપી ચૂક્યો છે. લિયોને તેની ૪૦૦મી વિકેટ એશિઝ ટેસ્ટ મેચના ચોથા દિવસે ડેવિડ મલાનના રૂપમાં ઝડપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter