મુંબઇઃ ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસ - શનિવારે ન્યૂઝીલેન્ડના ડાબોડી સ્પિનર એજાઝ પટેલે ઇતિહાસ રચ્યો. એજાઝે એક જ ઇનિંગમાં ટીમ ઇંડિયાની તમામ ૧૦ વિકેટ ઝડપીને જિમ લેકર (ઇંગ્લેન્ડ) અને અનિલ કુંબલે (ભારત)ની ક્લબમાં સ્થાન મેળવ્યું. જોકે આવા શાનદાર પ્રદર્શન છતાં ન્યૂઝીલેન્ડનો ૩૭૨ રને કારમો પરાજય એજાજની સોનેરી સિદ્ધિમાં લોઢાની મેખ સમાન બની રહ્યો. ભરૂચ જિલ્લાના ટંકારિયાના મૂળ વતની એજાઝ પટેલે તેના જન્મસ્થળ એવા મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે તે નોંધનીય છે.
ટીમ ઇંડિયાએ ટેસ્ટમાં પોતાની સૌથી મોટી જીત મેળવતા ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે ગયા મે મહિનામાં ભારતને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ કબ્જે કર્યું હતું. તે પછીની પ્રથમ સીરિઝમાં જ કિવી ટીમને ભારત સામે રમતા ૦-૧ થી હારનો સામનો કરવો પડ્યો છે. કિવીઝને હરાવી ભારતે ઘરઆંગણે સતત ૧૪મી સીરિઝ જીતી છે. આ સાથે જ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની છે.
કિવી ટીમ કાનપુર ખાતેની પ્રથમ ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહી હતી, પરંતુ વાનખેડે ખાતેની બીજી ટેસ્ટ મેચમાં એજાઝ પટેલની એક ઈનિંગ્સમાં ૧૦ વિકેટની સિદ્ધિ બાદ પણ ટીમ મેચ પર પોતાની પકડ જમાવી શકી નહોતી. એજાઝની સિદ્ધિ બાદ ટીમ માત્ર બે કલાકમાં જ ઓલઆઉટ થઈ હતી. કિવી ટીમને ટેસ્ટ ક્રિકેટમાં રનમામલે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે જ ભારતે સીરિઝ ૧-૦થી જીતી હતી.
મેચના ચોથા દિવસે સોમવારે ભારતીય ટીમને જીત માટે પાંચ વિકેટની જરૂર હતી અને કિવી ટીમને ૪૦૦ રન કરવાના બાકી હતા. જોકે ભારતીય સ્પિનર્સે માત્ર ૭૫ બોલમાં કિવી ટીમના બાકીના પાંચ ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. કિવી ટીમ આગલા દિવસના સ્કોરમાં ૨૭ રન ઉમેરી શકી હતી. કિવી ટીમ ૧૬૭ રનના સ્કોરે ઓલઆઉટ થઈ હતી.
અશ્વિન પ્લેયર ઓફ ધ સીરિઝ
ભારત તરફથી અશ્વિન અને જયંતે ૪-૪ વિકેટ ઝડપી હતી. મેચમાં શાનદાર ૨૧૨ રન કરનાર (૧૫૦ અને ૬૨ રનની ઇનિંગ્સ) મયંક અગ્રવાલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. જ્યારે સીરિઝમાં ૭૦ રન કરનાર અને ૧૪ વિકેટ ઝડપનાર અશ્વિન પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો. આમ, મેચની પ્રથમ ઈનિંગ્સમાં ૧૦ અને સહિત કુલ ૧૪ વિકેટ ઝડપનાર એજાઝ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી વંચિત રહ્યો હતો. અગાઉ આ સિદ્ધિ મેળવનાર જિમ લેકર અને અનિલ કુંબલે મેન ઓફ ધ મેચ રહ્યાં હતા.
કોહલીની અનોખી સિદ્ધિ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. કોહલી ભલે લાંબા સમયથી સદી ના ફટકારી શક્યો હોય પરંતુ ક્રિકેટર તરીકે તેણે જે સિદ્ધિ મેળવી છે તે અન્ય કોઇએ હાંસલ કરી નથી. ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ટીમ તરફથી ૫૦ કે તેથી વધારે વિજય હાંસલ કરનાર કોહલી પ્રથમ ક્રિકેટર બન્યો છે.
કોહલી એક ખેલાડી તરીકે ૫૦ ટેસ્ટ, ૧૫૩ વન-ડે અને ૫૦ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ જીતી ચૂક્યો છે. સુકાની તરીકે પણ તેણે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ત્રણેય ફોર્મેટમાં સુકાની તરીકે તેણે ૩૦ પ્લસ વિજય હાંસલ કર્યા છે. કોહલી ટેસ્ટ સુકાની તરીકે કુલ ૬૬ મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે ૩૯ વિજય, ૧૬ પરાજય અને ૧ ડ્રોના પરિણામ હાંસલ કર્યા છે. હોમગ્રાઉન્ડમાં તેણે ૩૧ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કર્યું છે જેમાં તેણે ટીમને ૨૪ વિજય અપાવ્યા છે. બેમાં પરાજય મળ્યો હતો અને બાકીની ડ્રો થઇ હતી. કોહલી વન-ડેમાં ભારતને સુકાની તરીકે ૯૫માંથી ૬૫ મેચ અને ટી-૨૦માં ૫૦માંથી ૩૦ મેચ જીતાડી ચૂક્યો છે.
કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ સૌથી સફળ સુકાની બની ગયો છે. ૨૦૧૯માં શરૂ કરાયેલી આ ચેમ્પિયનશિપમાં કોહલી અત્યાર સુધીમાં સૌથી આગળ છે. તેણે ૧૩ મેચમાં વિજય હાંસલ કર્યા છે. કોહલીના નેતૃત્વમાં ભારતે ટેસ્ટ મેચોમાં ત્રણ વખત બિગેસ્ટ માર્જિનથી વિજય હાંસલ કર્યા છે.
સર્વાધિક ઝીરોમાં આઉટ થનાર ટેસ્ટ સુકાની
કોહલી ટેસ્ટ સુકાની તરીકે ૧૦મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની ગ્રીમ સ્મિથ (૧૦ વખત)ના અણગમતા રેકોર્ડની બરોબરી કરી હતી. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો સ્ટિફન ફ્લેમિંગ પ્રથમ સ્થાને છે જે ૧૩ વખત ટેસ્ટમાં ઝીરોમાં આઉટ થયો હતો. ભારતના અન્ય સુકાનીમાં ધોની આઠ વખત શૂન્યમાં આઉટ થયો હતો. ધોની ઉપરાંત ઇંગ્લેન્ડનો માઇકલ આથર્ટન અને સાઉથ આફ્રિકાનો હેન્સી ક્રોન્યે આઠ-આઠ વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા.
જોકે કોહલી મુંબઇ ટેસ્ટની પહેલી ઇનિંગમાં વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. કોહલીને સ્પિનર એજાઝ પટેલની બોલિંગમાં ફિલ્ડ અમ્પાયરે એલબીડબ્લ્યૂ આઉટ જાહેર કર્યો હતો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ટીવી રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે પણ બોલ બેટને સ્પર્શ્યો પણ ન હોવા છતાં ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને સમર્થન આપીને કોહલીને આઉટ આપ્યો હતો. ૩૦મી ઓવરના છેલ્લા બોલે કોહલી આઉટ થયો હતો. તેણે અમ્પાયરના નિર્ણયને પડકારવા માટે ડીઆરએસનો સહારો લીધો હતો. થર્ડ અમ્પાયરનો નિર્ણય પણ વિવાદાસ્પદ રહ્યો હતો. થર્ડ અમ્પાયરે આઉટ આપતાની સાથે કોહલીએ ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી સાથે વાતચીત કરી હતી. આખરે કોહલીને નિરાશ થઈને પેવેલિયન પરત ફરવું પડયું હતું.