માંચેસ્ટરઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની માંચેસ્ટરમાં યોજાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમના ફિઝિયો કોરોના સંક્રમિત થયા બાદ બંને દેશના ક્રિકેટ બોર્ડે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ મેચોની આ સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે. સિરીઝની પ્રથમ મેચ ડ્રો જાહેર કરાઈ હતી. ભારતીય ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ થયા બાદ ભારતીય ટીમે મેદાનમાં ઉતરવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં ટીમના દરેક સભ્યોનો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રદ્દ મેચ રીશિડ્યુલ કરવા માટે ઈંગ્લેન્ડ બોર્ડ સમક્ષ રજૂઆત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે બંને બોર્ડ મળીને પાંચમી ટેસ્ટ કેવી રીતે યોજી શકાય એ બાબતે વિચારણા કરશે.
ટોસના ૨ કલાક પહેલાં માંચેસ્ટરમાં રમાતી ૫મી ટેસ્ટ મેચ રદ, નવી તારીખ માટે ચર્ચા જારી, આગામી વર્ષે જુલાઈ પછી આ મેચ શક્ય
ગુરુવારે ઈસીબી અને બીસીસીઆઈ વચ્ચે ટીમ ઈન્ડિયાના બીજા ફિઝિયો યોગેશ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા અંગે બેઠક યોજાઈ હતી. યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાવ્યો હતો. જેમાં બધાંનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
જોકે, તેના બાદ પણ કોરોનાની સમસ્યા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર મંડરાઈ રહી હતી.
કોરોના મામલે ટીમ ઇંડિયાની ચિંતા વાજબી છે. હકીકતમાં યોગેશ પરમાર પાંચમા એવા વ્યક્તિ હતા જે ટીમ સાથે જોડાયેલા હતા અને કોરોનાની ઝપટમાં આવ્યા હતા. આ પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને એક ફિઝિયો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.