હુલુનબુઇરઃ ભારતે સતત બીજી વખત અને કુલ પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ જુગરાજસિંહે કર્યો હતો. ચીનની ટીમ ચાર ક્વાર્ટર બાદ પણ ગોલ કરી શકી ન હતી.
ભારત અને ચીન વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો પ્રથમ ક્વાર્ટર ટાઇ રહ્યો હતો. તો બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારત અને ચીન એકપણ ગોલ કરી શક્યા નહોતા. બીજા ક્વાર્ટરમાં ચીનની ટીમે ભારતને ટક્કર આપી હતી. ભારતીય ટીમને આ ક્વાર્ટરમાં ઘણી ઓછી તકો મળી હતી, પરંતુ તેઓ તેને ગોલમાં બદલી શક્યા નહોતા. ચીનના ડિફેન્ડર્સે ભારતીય એટેકનો મજબૂતીથી સામનો કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ચીનની ટીમે આક્રમક રમત રમી અને કેટલીક તકો સર્જી, પરંતુ ભારતીય ડિફેન્ડર્સે તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.
ફાઇનલ મેચમાં ભારતીય હોકી ટીમે ચોથા ક્વાર્ટરમાં પહેલો ગોલ કરીને ચીન પર 1-0ની સરસાઈ મેળવી હતી. ભારત માટે જુગરાજસિંહે ચોથા ક્વાર્ટરની સાતમી મિનિટે આ ગોલ કર્યો હતો. અહીં કેપ્ટન હરમનપ્રિતે અભિષેકને પાસ આપ્યો, જે બાદ જુગરાજે ગોલ કર્યો. મેચની 56મી મિનિટે ચીને પોતાના ગોલકીપરને હટાવ્યો અને ભારતીય લીડની બરાબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ એમાં સફળ થઈ શક્યા નહોતા.