લંડનઃ દેશભરના ક્રિકેટરસિકો માટે રોમાંચક ઘટનામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટી (BCC) દ્વારા આગામી BPL 7 સીઝન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવવા તત્પર છે ત્યારે આ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગના રોમાંમચ અને સ્પર્ધાત્મકતાને સ્થાનિક ગ્રાઉન્ડ્સ પર લાવવાની ખાતરી આપે છે. સ્થાનિક ક્રિકેટ ક્લબ્સ અને કોમ્યુનિટીઓનો સાથ મેળવી BCC ખેલાડીઓ અને રમતના ચાહકો માટે ક્રિકેટના અનુભવમાં ક્રાંતિ લાવવા ઈચ્છે છે. આ માટેની હરાજી 30 જૂને પૂર્ણ થવા સાથે 9 ટીમ મેદાનમાં ઉતરશે.
ફોર્મેટ અને નિયમોઃ આ ટુર્નામેન્ટ જેવા માળખાને અનુસરશે અને ટીમો રાઉન્ડ-રોબીન લીગ અને તે પછી નોકઆઉટ પદ્ધતિએ સ્પર્ધા કરશે. મેચીસ ટી20 ફોર્મેટમાં રમાવાની હોવાથી ઝડપી એક્શન અને રોમાંચક સ્પર્ધાની ખાતરી આપશે. રમતની પવિત્રતાને જાળવી રાખવા ટુર્નામેન્ટ તંદુરસ્ત નીતિ અને નિયમોને અનુસરશે.
સ્થાનિક હીરોઝનું સન્માનઃ BCCની IPL સ્ટાઈલની ટુર્નામેન્ટ મોટા ભાગે ધ્યાન બહાર રહી જતા સ્થાનિક ક્રિકેટ હીરોઝની કદર કરવા માગે છે. પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાનું પ્લેટફોર્મ આપીને આ ટુર્નામેન્ટ તેમને પ્રકાશમાં લાવવાની તક આપવા ઉપરાંત, યુવાન પેઢીને તેમના ક્રિકેટ સ્વપ્ના પાર પાડવાની પ્રેરણા પણ આપશે.
પ્રશંસકો સાથે સંપર્કઃ ક્રિકેટરસિયાઓ સાથે સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ટુર્નામેન્ટમાં રોમાંચકારી પ્રમોશન્સ, ઈન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ અને મેદાનો પર ઉત્સવનું વાતાવરણ જળવાઈ રહેશે. દર્શકોને દિલધડક ક્રિકેટ જંગના સાક્ષી બનવા સાથે મ્યુઝિક, ફૂડ સ્ટોલ્સ, અને મર્કેન્ડાઈઝ સહિત વિવિધ મનોરંજન વિકલ્પો પણ માણવા મળશે.
મહિલા ક્રિકેટને પ્રોત્સાહનઃ સમાનતા અને સમાવેશિતાને આગળ વધારવાની BCCની પ્રતિબદ્ધતા તેમની IPL સ્ટાઈલની ટુર્નામેન્ટમાં જોવા મળશે. મહિલા ક્રિકેટને સપોર્ટ કરવા અને સમાન તક પૂરી પાડવાના પ્રયાસરૂપે ટુર્નામેન્ટમાં મહિલાલક્ષી ડિવિઝન પણ રખાશે. આનાથી મહિલા ક્રિકેટના વિકાસને મદદ મળશે એટલું જ નહિ, વધુ છોકરીઓ રમતને અપનાવે તેની પ્રેરણા પણ મળશે.