લંડનઃ ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના મેમ્બર ઉન્મેષ દેસાઈ, લંડન બરો ઓફ બાર્કિંગ એન્ડ ડેગનહામ કાઉન્સિલના લીડર ડેરેન રોડવેલ સહિતના માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમના સભ્યોની ગ્રાન્ડ પરેડ સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો જેમાં ખેલાડીઓ અને દર્શકોએ ક્રિકેટની ભાવનાને અનુરૂપ રમતની ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
બરોનું પ્રતિનિધિત્વ કરતા ઉન્મેષ દેસાઈએ ઉદ્ઘાટન સમારંભનો હિસ્સો બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ક્રિકેટને આગળ વધારવા અને લંડનમાં સાઉથ એશિયન મૂળની વ્યક્તિઓઔમાં કોમ્યુનિટીની ભાવના જાગૃત કરવાના પ્રયાસો બદલ ભારત ક્રિકેટ કોમ્યુનિટીની પ્રસંશા કરી હતી. દેસાઈએ વિવિધ કોમ્યુનિટીઓને એક સાથે લાવવા તેમજ પ્રતિભાશાળી વ્યક્તિઓ પોતાનું કૌશલ્ય દર્શાવી શકે તેવી તક પુરી પાડવાની આવી પહેલોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
કાઉન્સિલના લીડર ડેરેન રોડવેલે પણ ઓડિયન્સને સંબોધન કર્યું હતું અને આવા ભવ્ય ઈવેન્ટના આયોજનમાં તેમના સમર્પણ અને મહેનત બદલ આયોજકોને વધાવી લીધા હતા. તેમણે કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવાની કાઉન્સિલની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો અને સ્પોર્ટ્સમાં ડાઈવર્સિટી અને સમાવેશિતાને આગળ વધારવામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટીના યોગદાનની પ્રસંશા કરી હતી.
BPL 7 T20 ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર સ્પોર્ટ્સને જ સંબંધિત નથી, તે એકતાની તાકાત અને વિવિધતાની ઉજવણીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિભાશાળી ક્રિકેટરો પોતાની કુશળતાનું પ્રદર્શન કરી શકે તેમજ કોમ્યુનિટી એકસંપ બનીને આવી શકે તેવા સુંદર મંચ તરીકે કાર્ય કરે છે. માનવંતા મહેમાનો સાથે આ ઓપનિંગ સેરિમનીએ ટુર્નામેન્ટના સાચા સારતત્વનું ગઠન કરી યાદગાર ઈવેન્ટની રંગતને ખુલ્લી મૂકી હતી.