હરારેઃ યજમાન ઝિમ્બાબ્વેએ રવિવારે રમાયેલી બીજી ટી૨૦ મેચમાં પ્રવાસી ભારતને ૧૦ રને હરાવીને બે મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી છે. ભારતે અગાઉ ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતનો આ પ્રથમ પરાજય હતો.
ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૫ રન કર્યા હતા. જવાબમાં ટીમ ઇંડિયાએ નવ વિકેટે ૧૩૫ રન કર્યા હતા. ૧૪૬ રનનો પીછો કરતાં ભારતની શરૂઆત નબળી રહી હતી. રહાણે ચાર રને આઉટ થયો હતો. ઉથપ્પાએ ૨૫ બોલમાં ૪૨ રન કર્યા હતા. અગાઉ ઝિમ્બાબ્વે માટે ચિભાભાએ ૫૧ બોલમાં નવ બાઉન્ડ્રીની મદદથી ૬૭ રન કર્યા હતા.
પહેલી ટી૨૦ મેચમાં ભારતે ૫૪ રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે બેટિંગ-બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે પાંચ વિકેટે ૧૭૮ રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૨૪ રન જ કરી શક્યું હતું. મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર અમદાવાદનો અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
પ્રથમ મેચમાં ઓપનર અજિંક્ય રહાણે અને મુરલી વિજયે આક્રમક શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી ઉથપ્પા અને મનીષ પાન્ડેએ સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો ત્યારે મોફુએ મનીષ પાન્ડેને આઉટ કરી ઝિમ્બાબ્વેને ત્રીજી સફળતા અપાવી હતી. કેદાર જાધવ નવ રને અને બિન્ની ૧૧ રન બનાવી આઉટ થયા બાદ ઉથપ્પાએ હરભજન સાથે મળી ટીમનો સ્કોર ૧૭૮ રને પહોંચાડયો હતો.