મુંબઈઃ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગનના મતે હોમ ગ્રાઉન્ડનો લાભ અને જોરદાર ફોર્મને કારણે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે. મોર્ગને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે સિરીઝ જીતવા ઉપરાંત એશિયા કપમાં ચેમ્પિયન બનવાને કારણે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે.
મોર્ગને કહ્યું હતું કે ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતી હોય છે અને ટીમના મોટા ભાગના ખેલાડીઓ પણ ફોર્મમાં છે. તેના કારણે ભારત જીત માટે દાવેદાર છે. આમ છતાં અન્ય ટીમો પણ ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે.
મોર્ગને પોતાની ટીમની પ્રશંસા કરતાં કહ્યું કે આદિલ રશીદ અને મોઈન અલી સારા સ્પિનર છે, જે ભારતીય પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકવા સક્ષમ છે. ગત વર્ષે આ બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું. ફિનનું ઈજાગ્રસ્ત થવું ઈંગ્લેન્ડ માટે ઝટકો છે, પરંતુ પ્લન્કેટ તેના વિકલ્પ તરીકે સામેલ કરાયો છે.